



કચ્છ, 11 એપ્રિલ (હિ.સ.) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના રાપર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. તા. ૦૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાપર તથા ભચાઉ ડિવિઝન પોલીસની સંયુક્ત ટીમ દ્વારા સરપ્રાઈઝ કોમ્બીંગ અને સઘન ચેકીંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યવાહી મહે. પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ (બોર્ડર રેન્જ ભુજ-કચ્છ), પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ (પૂર્વ કચ્છ ગાંધીધામ) અને ના.પો.અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ (ભચાઉ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. રાપર પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા દ્વારા ટીમો બનાવી આ કામગીરીને અસરકારક રીતે અમલમાં મુકાઈ.
આ કોમ્બીંગમાં કુલ ૫૪ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા, જેમણે રાપર વિસ્તારમાં અસામાજિક તત્વો પર કડક નજર રાખી અને વિવિધ સ્થળોએ ચેકીંગ કર્યું. ખાસ કરીને પ્રોહીબીશન, જુગાર, ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોના મકાનોની તપાસ, ભાડુઆત ચેકીંગ, તેમજ વાહન ચેકીંગ પર ભાર મૂકવામાં આવ્યો.
કોમ્બીંગ દરમ્યાન નોંધપાત્ર કામગીરી:
• પ્રોહીબીશનના ૧૪ કેસ નોંધાયા
• ભાડુઆત જાહેરનામા ભંગના ૫ કેસ
• જી.પી. એક્ટ કલમ ૧૩૫ હેઠળ ૫ કેસ
• બી.એન.એસ. કલમ ૨૮૫ હેઠળ ૩ કેસ
• બુટલેગરો વિરૂદ્ધ ૪૩ નીલ રેઇડ
• ૧૭ વાહનો ડીટેઈન, ૩૧ એન.સી. કેસ
• સ્થળ ઉપર ₹૧૦,૩૦૦નો દંડ વસુલ
• કુલ ૪૨૭ વાહનો અને ૪૮ શંકાસ્પદ ઇસમોની તપાસ
• ૧૬ હોટલ-ધાબા અને ૧૪ અવાવરૂ સ્થળોની ચેકીંગ
• ૬૮ મતદાન બુથોની મુલાકાત
આ સમગ્ર અભિયાન દરમ્યાન કુલ ૨૭ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, વાહન વ્યવહારના નિયમો ભંગ બદલ દંડ વસૂલાત પણ કરવામાં આવી હતી. પોલીસના આ સઘન કોમ્બીંગથી વિસ્તારમાં અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે અને આવનારી ચૂંટણીને શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં યોજવા માટે મજબૂત પગલું માનવામાં આવી રહ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar