
ભાવનગર, 11 એપ્રિલ (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પાવઠી ગામ નજીક આવેલ એક વાડી વિસ્તારમાં અચાનક અજગર દેખાતા સ્થાનિકોમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. ગામલોકોએ પ્રથમવાર આટલો મોટો સાપ જોઈ આશ્ચર્ય સાથે ગભરાટ અનુભવો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થઈ ગયા હતા.
મળતી માહિતી મુજબ, પાવઠી ગામની બહાર આવેલ એક ખેતીવાડી વિસ્તારમાં કામ કરતા ખેડૂતોએ અચાનક ઝાડીઓમાં હલચલ જોતા તપાસ કરી ત્યારે ત્યાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈ તેઓ તરત જ સાવચેત થઈ ગયા અને અન્ય લોકોને પણ દૂર રહેવા સૂચના આપી હતી.ઘટનાની જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને જરૂરી સાધનો સાથે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલીમબદ્ધ કર્મચારીઓએ કાળજીપૂર્વક અને સાવચેતી રાખીને અજગરને કાબૂમાં લીધો હતો.રેસ્ક્યૂ કામગીરી દરમિયાન સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી, પરંતુ વન વિભાગ દ્વારા સૌને સુરક્ષિત અંતર જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી. આશરે થોડા સમયની મહેનત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડવામાં સફળતા મળી હતી.ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અજગર કોઈને નુકસાન પહોંચાડે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને માનવ વસાહતથી દૂર એક સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો, જેથી તે સ્વાભાવિક રીતે પોતાનું જીવન જીવી શકે.
આ બનાવને કારણે ગામલોકોમાં થોડી વાર માટે ભયનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર થયેલી કાર્યવાહીથી કોઈ અનિચ્છનીય ઘટના ટળી હતી. અધિકારીઓએ ગ્રામજનોને આવા પ્રસંગોમાં ગભરાટ ન ફેલાવવાનો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT