
વલસાડ, 11 એપ્રિલ (હિ.સ.) વલસાડ: જિલ્લામાં પ્રોહીબિશન કાયદા અંતર્ગત ગેરકાયદે દારૂના વેપાર વિરુદ્ધ વલસાડ લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પારનેરા ગામ નજીક નેશનલ હાઈવે નં. 48 ના ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર પેટ્રોલિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે પોલીસે સફેદ રંગની મારૂતી સુઝુકી વેગનઆર કાર (નં. GJ-15-CB-4947) રોકી તપાસ કરતા તેમાંમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી/વોડકા) ની કુલ 960 બોટલ (172.800 લિટર) મળી આવી હતી. આ દારૂની કિંમત અંદાજે ₹3,19,200 ગણવામાં આવી છે.
આ ઉપરાંત કાર (કિંમત ₹2,00,000) તથા એક મોબાઇલ ફોન (કિંમત ₹5,000) સહિત કુલ ₹5,24,200 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસે કાર ચાલક ભાવિનભાઈ રમેશભાઈ નાયકા (ઉંમર 30, રહે. મુકુંદ સરકારી ફળીયા, પારનેરા) ને સ્થળ પરથી જ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ દારૂનો જથ્થો ગુંદલાવ ગામના ધવલ અરવિંદભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યો હતો, જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપી અને કબજે કરાયેલ મુદ્દામાલને વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. સમગ્ર કાર્યવાહી LCB ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha