
બોટાદ, 11 એપ્રિલ (હિ.સ.)ગઢડા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમરસતા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા ડૉ. ભીમરાવ આંબેડકરના વિચારોથી પ્રેરિત રહી હતી, જેમાં સમાજમાં સમાનતા, એકતા અને સહભાગીતાનો સંદેશ પહોંચાડવાનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો.યાત્રાનો પ્રારંભ ગઢડા સ્થિત ગોપીનાથજી દેવ મંદિરથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિર ખાતે ઉપસ્થિત સાધુ-સંતોએ યાત્રાને આશીર્વાદ આપ્યા હતા અને સમાજમાં ભાઈચારો અને સમરસતા જળવાઈ રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરો, યુવાનો તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશભક્તિભર્યા સૂત્રોચ્ચારો સાથે સમરસતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ વક્તાઓએ ડૉ. આંબેડકરના જીવન અને તેમના સામાજિક સમાનતાના સિદ્ધાંતો પર પ્રકાશ પાડ્યો હતો. આ સમરસતા યાત્રા ગઢડા શહેરમાં એક સકારાત્મક સંદેશ ફેલાવવામાં સફળ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT