
નવી દિલ્હી, 14 એપ્રિલઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મહિલા અનામત પર સંસદમાં પ્રસ્તાવિત બંધારણીય સુધારા પહેલા દેશની નારી શક્તિને સંબોધતા એક વિગતવાર પત્ર લખ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પત્ર શેર કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશભરની માતાઓ, બહેનો અને દીકરીઓ 2029ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાંથી મહિલા અનામત સુનિશ્ચિત કરવાના નિર્ણયની પ્રશંસા કરી રહી છે.
14 એપ્રિલના રોજ ડૉ. ભીમરાવ આંબેડકરને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંધારણના સમાનતા અને સમાવેશના મૂલ્યોને ધ્યાનમાં રાખીને 16 એપ્રિલથી સંસદમાં 'નારી શક્તિ વંદના અધિનિયમ' પર ચર્ચા શરૂ થશે. તેમણે આગામી સંસદ સત્રમાં આ સુધારાને પસાર કરવા માટે દેશવાસીઓ, ખાસ કરીને મહિલાઓના આશીર્વાદ અને સમર્થનની માંગ કરી હતી. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર ગૃહ સાથે મળીને આ ઐતિહાસિક પગલું પસાર કરશે, જે કાયદાકીય સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે.
પત્રમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની મહિલાઓ નોંધપાત્ર યોગદાન આપી રહી છે અને વિજ્ઞાન, નવીનતા, રમતગમત, શિક્ષણ, કલા અને ઉદ્યોગસાહસિકતા જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમની અમિટ છાપ છોડી રહી છે. તેમણે કહ્યું હતું કે, મહિલાઓની વધતી ભાગીદારીને ધ્યાનમાં રાખીને નીતિ ઘડતરમાં પણ તેમની ભાગીદારી વધારવી જરૂરી છે. તેમણે નોંધ્યું હતું કે મહિલાઓનો મત આપવાનો અધિકાર સ્વતંત્રતા સાથે મેળ ખાય છે, જ્યારે અન્ય ઘણા દેશોમાં તે લાંબી રાહ જોવી હતી. આમ છતાં, કાયદાકીય સંસ્થાઓમાં તેમની પૂરતી ભાગીદારી સુનિશ્ચિત કરવાના પ્રયાસોને હજુ સુધી સંપૂર્ણ સફળતા મળી નથી.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે દેશની અડધી વસ્તી એટલે કે નારી શક્તિએ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવો જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, જો 2029ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ મહિલા અનામત સાથે યોજાશે તો લોકશાહી વધુ મજબૂત થશે. તેમણે આ દિશામાં કોઈપણ વિલંબને દુર્ભાગ્યપૂર્ણ અને નારી શક્તિ સાથે અન્યાય ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ મહિલાઓને અપીલ કરી હતી કે, તેઓ તેમના સંબંધિત સાંસદોને પત્ર લખીને આ ઐતિહાસિક ખરડાને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરે, જેથી સંસદમાં તેને પસાર કરવા માટે વ્યાપક સમર્થન મળે. પત્રના અંતે પ્રધાનમંત્રીએ તમામ દેશવાસીઓને આગામી તહેવારોની શુભેચ્છાઓ આપી હતી અને તેમની ખુશી, સમૃદ્ધિ અને સુખની કામના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર /સુશીલ કુમાર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ