
ચેન્નઈ, નવી દિલ્હી, 15 એપ્રિલ (હિ.સ.) આઇ.પી.એલ. 2026માં ચેન્નઈ સુપર કિંગ્સ (સી.એસ.કે.) એ, કલકતા નાઈટ રાઇડર્સ (કે.કે.આર.) ને 32 રનથી હરાવીને તેમના ઘરઆંગણાના મેદાન ચેપૌક ખાતે મજબૂત પ્રદર્શન કર્યું હતું. આ જીત સાથે ચેન્નઈ એ તેમની સતત બીજી ઘરઆંગણાની જીત નોંધાવી હતી. જ્યારે કે.કે. આર. ને આ સિઝનમાં, ચોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા સીએસકેએ, 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા. સંજુ સેમસને ટીમ માટે 48 રનની નિર્ણાયક ઇનિંગ રમી હતી. તે જ સમયે, આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવીને ઝડપી શરૂઆત કરી હતી, જ્યારે દેવાલ્ડ બ્રેવિસે પણ 41 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, ડેથ ઓવરમાં ચેન્નઈનો રન રેટ થોડો ધીમો પડ્યો હતો.
192 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી, કે.કે.આર. ની શરૂઆત ખરાબ રહી હતી. ફિન એલન વહેલા આઉટ થઈ ગયા, જ્યારે સુનીલ નરેન 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ત્યારબાદ સુકાની અજિંક્ય રહાણે અને અંગકૃષ રઘુવંશીએ દાવને સ્થિર રાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ 10મી ઓવર પછી વિકેટ પડવા લાગી.
ચેન્નઈના બોલરોએ મેચને નિયંત્રણમાં રાખવા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નૂર અહેમદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી અને રહાણે, કેમરૂન ગ્રીન અને રિંકુ સિંહને આઉટ કર્યા હતા. અંશુલ કંબોજે બે વિકેટ ઝડપી હતી, જ્યારે ખલીલ અહેમદ અને અકીલ હોસેને એક-એક વિકેટ ઝડપી હતી.
કે.કે.આર. એ એક તબક્કે, 6 વિકેટે 90 રન બનાવ્યા હતા. ત્યારબાદ રોવમેન પોવેલ અને રમનદીપ સિંહે 63 રનની ભાગીદારી કરી પરંતુ ટીમને જીત અપાવી શક્યા નહીં.
અંતે કલકતા 20 ઓવરમાં 7 વિકેટે 160 રન જ બનાવી શક્યું હતું અને 32 રનથી મેચ હારી ગયું હતું. આ હાર સાથે, પોઈન્ટ ટેબલમાં કે.કે. આર.ની સ્થિતિ વધુ કથળી છે, જ્યારે કે. એસ. કે. એ મજબૂત પુનરાગમનના સંકેતો દર્શાવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર /આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ