
ભાવનગર, 17 એપ્રિલ (હિ.સ.) ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે આજ રોજ વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત શહેરમાં આવેલ પબ્લિક ટોઇલેટ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ લાવવા અને સ્વચ્છ શહેરના લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ પ્રકારની કામગીરી નિયમિત રીતે કરવામાં આવી રહી છે.
આ ઝુંબેશ દરમિયાન સફાઈ કર્મચારીઓ દ્વારા ટોઇલેટની અંદર અને બહાર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો તેમજ આસપાસ જમા થયેલ કચરો દૂર કરવામાં આવ્યો હતો. ગંદકીથી ફેલાતા રોગોને અટકાવવા માટે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે નાગરિકોને પણ પબ્લિક ટોઇલેટનો યોગ્ય ઉપયોગ કરવા અને આસપાસ ગંદકી ન ફેલાવવાની અપીલ કરવામાં આવી હતી.
શહેરમાં સ્વચ્છતા જાળવવી એ માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. જો દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવશે તો સ્વચ્છ અને સુંદર ભાવનગરનું સ્વપ્ન સરળતાથી સાકાર થઈ શકે છે. આવી પહેલોથી શહેરમાં સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક સંદેશ પહોંચે છે અને લોકોમાં જવાબદારીની ભાવના વિકસે છે.
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT