
પાટણ, 17 એપ્રિલ (હિ.સ.) : પાટણ શહેરમાં રખડતા ઢોરોને પકડવાની નગરપાલિકાની ઝુંબેશ દરમિયાન ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. માલધારી સમાજના આક્ષેપ મુજબ, ક્ષમતા કરતાં વધુ એટલે કે 10-11 પશુઓની જગ્યાએ 21 પશુઓને એક જ પાંજરામાં ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, જેના કારણે ગૂંગળામણથી એક ગર્ભવતી ગાય સહિત ચાર ગાયોના મોત થયા હતા. પશુપાલકોએ પશુઓને પકડતી વખતે ક્રૂરતાનો પણ આક્ષેપ કર્યો છે.
ઘટના બાદ રબારી અને ભરવાડ સમાજના અગ્રણીઓએ જિલ્લા પોલીસવડાને લેખિત રજૂઆત કરી છે અને જવાબદાર કર્મચારીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ મૃત ગાયોના પેનલ પોસ્ટમોર્ટમ અને પશુઓને પકડવાની પ્રક્રિયામાં માનવીય અભિગમ અપનાવવા પણ જણાવ્યું છે.
આ ઘટનાને લઈને માલધારી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવામાં આવશે અને તેમના વિસ્તારોમાં પ્રચાર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ