
કચ્છ, 17 એપ્રિલ (હિ.સ.) : કચ્છના ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દિશામાં મહત્વપૂર્ણ પગલું તરીકે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બળાત્કારના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આ કેસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે.
માહિતી મુજબ, ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનાહિત નોંધ નં. ૧૧૯૯૩૦૦૬૨૬૦૩૯૬/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૬૯, ૩૧૬(૧), ૮૮ અને ૬૪(૨)(એમ) મુજબ તા. ૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બની ગયું હતું અને આરોપીને ઝડપવા માટે વિશેષ ટીમ બનાવવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ માહિતી અને બાતમીના આધારે તપાસ આગળ વધારી હતી. તપાસ દરમિયાન આરોપી આડેસર વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતાં પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો.
પકડાયેલ આરોપી જયસુખ ભીખાભાઈ સોલંકી (ઉંમર ૨૪ વર્ષ) હાલ ગાંધીધામના આંબેડકર ફળિયામાં રહેતો હોવાનું સામે આવ્યું છે, જ્યારે તે મૂળ કચ્છના રાપર તાલુકાના ભુટકીયા ગામનો રહેવાસી છે. આરોપી સામે નોંધાયેલા ગુનામાં બળાત્કાર સહિતના ગંભીર આરોપો સામેલ છે.
પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કર્યા બાદ કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ ઘટના સાથે ફરી એકવાર સ્પષ્ટ થાય છે કે ગાંધીધામ પોલીસ ગુનાખોરી સામે કડક વલણ અપનાવી રહી છે અને મહિલાઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
સ્થાનિક લોકોમાં પણ પોલીસની આ ઝડપી કાર્યવાહીથી વિશ્વાસ મજબૂત બન્યો છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar