
મહેસાણા, 17 એપ્રિલ (હિ.સ.) અમદાવાદથી મહેસાણા આવી રહેલા ઉનાવા ગામના યુવકની ગાડીમાં ભૂલાઈ ગયેલી બેગને મહેસાણા પોલીસના કમાન્ડ કંટ્રોલરૂમની ટીમે સીસીટીવી ફૂટેજની મદદથી શોધી કાઢી પરત અપાવી હતી. પોલીસે ઝડપી કામગીરી કરીને માલિકને મહત્વપૂર્ણ સામાન સાથે બેગ સુપરત કરી માનવતા દર્શાવી હતી.
ઊંઝા તાલુકાના ઉનાવા ગામે રહેતા ચંદ્રકાંત નટવરલાલ સેનમા ગુરુવારે અમદાવાદના ચાંદખેડાથી પેસેન્જર ગાડીમાં પોતાના ગામે પરત ફરી રહ્યા હતા. બપોરે લગભગ 2:00 વાગ્યે મહેસાણાની મોઢેરા ચોકડી પાસે ગાડીમાંથી ઉતર્યા બાદ તેઓ પોતાની બેગ ગાડીમાં જ ભૂલી ગયા હતા. બેગમાં તેમની પત્નીની બે સાડીઓ, સોનાની ચુની તેમજ અન્ય જરૂરી સામાન હતો.
બેગ ખોવાઈ જતા ચંદ્રકાંતે મહેસાણા પોલીસની નેત્રમ શાખાનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કમાન્ડ કંટ્રોલરૂમના પી.એસ.આઈ સુથાર અને તેમની ટીમે શહેરભરના સીસીટીવી ફૂટેજ ચકાસી ગાડીની ઓળખ કરી હતી. તપાસ દરમિયાન જી.જે. 35 એચ 2762 નંબરની કારનો પત્તો લાગતા પોલીસે માલિકનો સંપર્ક સાધ્યો હતો.
ગાડીમાં બેગ હોવાની ખાતરી થતાં પોલીસે બેગ પરત મેળવી ચંદ્રકાંતને સુપરત કરી હતી. પોલીસની આ ઝડપી કામગીરીને લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR