
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.) : વિશ્વ ધરોહર દિવસના અવસરે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા ખાતે ભવ્ય, સુવ્યવસ્થિત અને જ્ઞાનવર્ધક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ તેમજ વરિષ્ઠ મંડળ યાંત્રિક ઇજનેર અને હેરિટેજ અધિકારી સંતોષ મિશ્રાના નેતૃત્વમાં યાંત્રિક વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યો.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે કાર્યક્રમની મુખ્ય અતિથિ શાલિની વર્મા, અધ્યક્ષા, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ હતાં. આ અવસરે સંગઠનની મહિલા પદાધિકારીઓ અને સભ્યાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં.
કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ અને અન્ય ગણમાન્ય મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવ્યો. વર્ષ 2026ની થીમ “સંઘર્ષ અને આપદાઓની પરિસ્થિતિમાં જીવંત ધરોહર માટે તાત્કાલિક પ્રતિસાદ”ને અનુરૂપ આ આયોજનમાં ધરોહર સંરક્ષણ પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને જનસહભાગિતાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું.
તેમના સંબોધનમાં મુખ્ય અતિથિ શાલિની વર્માએ જણાવ્યું કે સાંસ્કૃતિક અને તકનીકી ધરોહર માત્ર ભૂતકાળની યાદો નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા, જ્ઞાન અને ઓળખનો આધાર છે. તેમણે આપદા અને સંકટની પરિસ્થિતિમાં ધરોહર સંરક્ષણ માટે ઝડપી અને અસરકારક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે તમામ ભાગ લેનારાઓને ધરોહરના સંરક્ષણ અને સંવર્ધન માટે શપથલેવડાવી.કાર્યક્રમમાં કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધારવા માટે વિશ્વ ધરોહર દિવસની થીમ પર વક્તૃત્વ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર 3 વિદ્યાર્થીઓ અને ક્વિઝ સ્પર્ધામાં 10 વિજેતાઓને મુખ્ય અતિથિ દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા.
આ અવસરે તમામ ઉપસ્થિતોએ હેરિટેજ મ્યુઝિયમ, ભાવનગર પરા નો અવલોકન પણ કર્યો. મુલાકાત દરમિયાન મ્યુઝિયમમાં પ્રદર્શિત ઐતિહાસિક લોકોમોટિવ, કોચ અને અન્ય ધરોહર વસ્તુઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી અને ભારતીય રેલ્વેની સમૃદ્ધ વારસાને નજીકથી સમજવાની તક મળી. કાર્યક્રમનું સંચાલન સહાયક મંડળ યાંત્રિક ઇજનેર વિજય ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું. અંતે આભારવિધિ સાથે કાર્યક્રમનું સમાપન થયું. આ આયોજન માત્ર જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક જ નહોતું, પરંતુ ધરોહર સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના વિકસાવવામાં પણ અત્યંત સફળ સાબિત થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ