
ભાવનગર, 18 એપ્રિલ (હિ.સ.)ઉનાળાની તીવ્ર ગરમી અને વધતી હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હીટવેવ એડવાઈઝરી અને હીટ વેવ એક્શન પ્લાન મુજબ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા મેદાનમાં કાર્યરત તમામ કર્મચારીઓના આરોગ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપતા મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે.
વિભાગ દ્વારા ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર, સિપાઈઓ તેમજ સફાઈ કામદારોને કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગરમીના પ્રકોપ વચ્ચે સતત બહાર કામ કરતા કર્મચારીઓ માટે સૂર્યના તાપથી બચવા આ કેપ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેપ વડે સીધો તાપ માથા પર પડતો અટકાવી શકાય છે, જે હીટ સ્ટ્રોક જેવી ગંભીર સમસ્યાઓથી બચાવવામાં મદદરૂપ બને છે.
આ પ્રસંગે અધિકારીઓએ કર્મચારીઓને હીટવેવ દરમિયાન રાખવાની જરૂરી તકેદારીઓ વિશે માર્ગદર્શન પણ આપ્યું હતું. જેમાં વધુમાં વધુ પાણી પીવું, તડકામાં લાંબા સમય સુધી રહેવાનું ટાળવું, હલકા અને ઢીલા કપડાં પહેરવા, તેમજ જરૂરી હોય ત્યારે આરામ લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આ પ્રયાસનો મુખ્ય હેતુ કર્મચારીઓના સ્વાસ્થ્યની રક્ષા સાથે તેમની કાર્યક્ષમતામાં વધારો કરવાનો છે. સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ પણ તેટલી જ અગત્યની બાબત છે.
આ રીતે હીટવેવ સામે સજાગતા અને સુરક્ષા માટે કરવામાં આવેલ કેપ વિતરણ જેવી પહેલ પ્રશંસનીય બની રહી છે અને અન્ય વિભાગો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT