
કચ્છ, 18 એપ્રિલ (હિ.સ.) : અંજાર શહેરમાં બનેલી ચોંકાવનારી હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચાર ફેલાવી દીધી છે. ગંગાનાકા નજીક આવેલા બી.એમ. પેટ્રોલ પંપ પર યુવાન મુસ્તાક મન્સુરીની છરીના ઘા મારીને કરાયેલી નિર્દય હત્યાના મામલે તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પ્રાથમિક તપાસ મુજબ આ હત્યા પાછળનું મુખ્ય કારણ લગ્નેતર સંબંધ હોવાનું સામે આવ્યું છે, જેનાથી તણાવ અને વેરઝેરનું વાતાવરણ ઊભું થયું હતું.
મૃતક મુસ્તાક જુમા મન્સુરી, જે નવાનગર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતો હતો, પરિણીત હતો અને એક દીકરીનો પિતા હતો. રોજગાર માટે બોલેરો પીકઅપ વાહનથી કામ કરતો મુસ્તાક ભચાઉમાં રહેતી સાઈના બાયડ સાથે પ્રેમ સંબંધમાં જોડાયો હતો. આ સંબંધને કારણે સાઈનાના લગ્નજીવનમાં તણાવ ઊભો થયો હતો. તેના પતિ અસ્લમ ઉર્ફે અબો મામદ સમા સાથે વારંવારના ઝઘડાઓ બાદ અંતે તલાકની સ્થિતિ સર્જાઈ હતી અને સાઈના અંજારમાં રહેવા લાગી હતી.
આ સમગ્ર ઘટનાક્રમથી અસ્લમના મનમાં ભારે વેરભાવ પેદા થયો હતો. પોતાના લગ્નજીવન તૂટવાનું કારણ મુસ્તાકને માનતા તેણે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. આ માટે તેણે પોતાના ઓળખીતાઓની મદદ લીધી હતી. મેઘપર બોરીચીમાં રહેતા શબ્બિર અબ્દુલ કરીમ બાયડ અને ભચાઉના લલિયાણા ગામના મહેશ લખુભાઈ કેરાસીયાને સાથે રાખીને તેણે હત્યાની સાજિશ રચી હતી.
ઘટનાના દિવસે સાંજના સમયે મુસ્તાક, પોતાના મિત્રો સાથે ગંગાનાકા પાસે ચાની હોટલ પર બેઠો હતો ત્યારે તેને એક ફોન આવ્યો હતો. ફોન પર વાત કરતાં કરતાં તે નજીકના પેટ્રોલ પંપ તરફ ગયો હતો. આ દરમિયાન અસ્લમ અને મહેશ બાઈક પર ત્યાં પહોંચ્યા હતા. બાઈક મહેશ ચલાવી રહ્યો હતો જ્યારે અસ્લમ બાઈક પરથી ઉતરીને સીધો મુસ્તાક પર તૂટી પડ્યો હતો અને તેની પીઠ તેમજ ગળા પર છરીના ઘા ઝીંક્યા હતા. હુમલા બાદ બંને આરોપીઓ તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટના સમયે હાજર રહેલા મુસ્તાકના મિત્રો આરોપીને ઓળખી શક્યા હતા.
ચૂંટણીઓના સંવેદનશીલ સમયગાળામાં બનેલી આ હત્યાને ગંભીરતાથી લઈ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. પોલીસે વિવિધ ટીમો બનાવીને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી. બાતમીદારોની મદદથી પોલીસએ ગણતરીના કલાકોમાં મહેશ કેરાસીયા અને શબ્બિર બાયડને ઝડપીને કસ્ટડીમાં લીધા હતા. પૂછપરછ દરમિયાન ખુલ્યું કે, શબ્બિરે ઘટનાસ્થળે મુસ્તાકની હાજરી પર નજર રાખીને અસ્લમને માહિતી પહોંચાડી હતી.
હાલમાં મુખ્ય આરોપી અસ્લમ સમા ફરાર છે અને તેની શોધખોળ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસે ઝડપી પાડેલા બંને આરોપીઓને રીમાન્ડ પર લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે જેથી ઘટનાની પાછળના તમામ પાસાઓ ખુલાસા થઈ શકે. આ બનાવે ફરી એકવાર વ્યક્તિગત સંબંધોમાંથી ઊભા થતા વિવાદો કેવી રીતે ગંભીર અપરાધમાં ફેરવાઈ શકે છે તે સ્પષ્ટ કરી દીધું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar