
બોટાદ, 18 એપ્રિલ (હિ.સ.)સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓ – ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ મતદાન થાય તે હેતુસર બોટાદ જિલ્લામાં વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના વિવિધ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાનના મહત્વને સમજાવવા વિવિધ સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ હેઠળ વકતૃત્વ સ્પર્ધા, ઈ-પોસ્ટર મેકિંગ સ્પર્ધા તેમજ મહેંદી મેકિંગ સ્પર્ધાઓ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ “મતદાનનું મહત્વ”, “જાગૃત મતદારની ભૂમિકા” જેવા વિષયો પર પ્રભાવશાળી ભાષણો રજૂ કર્યા હતા. ઈ-પોસ્ટર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ આકર્ષક અને સંદેશાત્મક પોસ્ટરો બનાવી મતદાન માટે પ્રેરણા આપતી કલાત્મક રજૂઆતો કરી હતી.
મહેંદી મેકિંગ સ્પર્ધા દ્વારા પણ અનોખી રીતે મતદાન જાગૃતિ ફેલાવવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ હાથ પર મતદાન સંબંધી સંદેશો દર્શાવતાં ડિઝાઇન બનાવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં માત્ર સર્જનાત્મકતા જ નહીં પરંતુ સામાજિક જવાબદારીની ભાવના પણ વિકસિત થઈ હતી.
આ અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં મતદાન પ્રત્યે સકારાત્મક વલણ વિકસાવવાનો અને તેઓ પોતાના પરિવાર તથા સમાજમાં પણ મતદાન અંગે જાગૃતિ ફેલાવે તેવો છે. જિલ્લા પ્રશાસન દ્વારા આવા કાર્યક્રમો દ્વારા “વોટ આપવું એ ફરજ પણ છે અને અધિકાર પણ” તે સંદેશ જનજન સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
આ રીતે બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાનને નવી દિશા આપતા આ કાર્યક્રમો પ્રશંસનીય સાબિત થઈ રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / GONDALIYA DISHANT