
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના વરાછા વિસ્તારમાં એક ત્રણ વર્ષનો બાળક રમતા રમતા અચાનક ગુમ થઈ જતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ હતી. જવાહરનગર સોસાયટીમાં રહેતા પરિવાર માટે આ ક્ષણ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ હતી. પરંતુ વરાછા પોલીસની ઝડપી કાર્યવાહીથી થોડા જ સમયમાં બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો અને તેને પરિવારને સોંપવામાં આવ્યો.
માહિતી મુજબ, બાળક કાર્તિક પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે તેના પિતા ઘરે જમવા આવ્યા હતા. થોડા જ સમયમાં બાળક નજરથી ઓઝલ થઈ ગયો. પરિવારજનો દ્વારા આસપાસ ઘણી શોધખોળ છતાં કોઈ માહિતી ન મળતા, અંતે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો.
પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તાત્કાલિક ટીમો બનાવી અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી. લગભગ 50થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરવામાં આવ્યા. સાથે જ બાળકનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો અને લાઉડસ્પીકર દ્વારા પણ જાણ કરવામાં આવી. આ તમામ પ્રયાસોના પરિણામે બાળક રણજીતનગર વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું.
અંતે પોલીસ ટીમે બાળકને સલામત રીતે શોધી કાઢ્યો અને પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું. પોતાના બાળકને ફરીથી જોઈ માતા-પિતાની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. વરાછા પોલીસની આ કાર્યક્ષમતા અને સંવેદનશીલતા માટે સમગ્ર વિસ્તારમાં પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે