
સુરત, 18 એપ્રિલ (હિ.સ.) : સુરતના ડીંડોલી વિસ્તારમાં નાની રકમના પૈસાની લેતીદેતી એક ગંભીર ઘટનામાં ફેરવાઈ ગઈ, જ્યાં મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો. નવાગામ ડીંડોલીના ચેતનનગરમાં રહેતા 20 વર્ષીય શુભમ કિશોર વાઘ પર મોડીરાત્રે તેના ઘર બહાર હુમલો કરવામાં આવ્યો. માહિતી મુજબ, શુભમે પોતાની પાસે બાકી રહેલા ₹2200 માંગતા જ બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ.
પ્રત્યક્ષદર્શી મંદાબેનના જણાવ્યા પ્રમાણે, ઘટનાસ્થળે બે બાઈક પર આવેલા યુવકો પૈસા મુદ્દે ઝઘડી રહ્યા હતા. વાત વધતા એક આરોપીએ શુભમને ગાળો આપી ચપ્પુ કાઢ્યો અને તેની જાંઘ પર અનેક ઘા માર્યા. આ દૃશ્ય જોઈને તેઓ ભયભીત થઈ ગયા અને તરત જ શુભમના પરિવારને જાણ કરી, પરંતુ ત્યાં સુધીમાં સ્થિતિ ગંભીર બની ગઈ હતી.
ઘટના બાદ હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ શુભમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ વધુ રક્તસ્ત્રાવને કારણે ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઘટના બાદ પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનોના આધારે તપાસ ચાલી રહી છે. આ બનાવે શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી ચિંતા ઊભી કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે