

પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.)પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી (ગાંડી વેલ)ને દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 59.20 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા આપવામાં આવી છે. કર્લી સ્ટ્રીમમાં રતનપર અને છાંયા વિસ્તારમાં વિશાળ પ્રમાણમાં જળકુંભી ફેલાઈ જતા પાણીની સપાટી સુધી સૂર્યપ્રકાશ પહોંચી શકતો નથી, જેના કારણે જળચર જીવન માટે ગંભીર જોખમ ઉભું થયું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂરિયાત ઉભી થઈ હતી. વધુમાં, આ વિસ્તાર અસ્માવતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો ભાગ હોવાથી જળકુંભીનો વધતો પ્રસાર દ્રશ્ય સૌંદર્ય પર પણ નકારાત્મક અસર પેદા કરી રહ્યો હતો, જેના કારણે શહેરના મહત્વના સ્થળને સ્વચ્છ અને આકર્ષક બનાવવા આ કામગીરી અનિવાર્ય બની હતી. આ કામગીરી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા “ડિપોઝિટ વર્ક” તરીકે હાથ ધરાશે, જેમાં જળકુંભીને મેન્યુઅલી દૂર કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. ગુણવત્તા નિયંત્રણના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા કર્લી સ્ટ્રીમમાં જળપ્રવાહમાં સુધારો થશે, જળચર જીવનનું સંરક્ષણ થશે અને રિવરફ્રન્ટ વિસ્તારની સુંદરતા વધશે. આ કામગીરી પોરબંદર શહેર માટે પર્યાવરણ સુધાર અને સ્વચ્છતા દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya