

વડોદરા,03 એપ્રિલ (હિ.સ.) વડોદરાના સિવિલ એન્જિનિયર ફૈઝલ દુધવાલાએ એક સરળ વિચારને અસામાન્ય સંગ્રહમાં પરિવર્તિત કર્યો છે. તેમણે વિશ્વભરના 82 દેશોની '1'ની નોટોનો સંગ્રહ કર્યો છે, જેમાં એશિયા, આફ્રિકા, યુરોપ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, અને ઓસેનિયાના દેશોનો સમાવેશ થાય છે.
આ સંગ્રહમાં એવા દેશોની નોટો પણ છે જે હવે અસ્તિત્વમાં નથી એટલે કે વિલિન થઈ ગયા છે.
ફૈઝલને નાની ઉંમરે જ સિક્કા,ચલણી નાણાં અને પ્રાચીન વસ્તુઓના સંગ્રહનો શોખ તેમના પિતાને જોઈને પડ્યો હતો.
જોકે, કોરોના દરમિયાન તેમના વિસ્તારમાં લોકડાઉન હતું ત્યારે તેમણે આ શોખને ગંભીરતાથી અપનાવ્યો હતો. પિતાના સંગ્રહને જોઈને તેમની રુચિ વધી હતી અને વિદેશમાં રહેતા મિત્રોની મદદથી તેમણે પોતાનો અનોખો સંગ્રહ શરૂ કર્યો હતો.
ફૈઝલ માટે '1'નો આંક પ્રતીકાત્મક છે જે દરેક મહત્વપૂર્ણ વસ્તુની શરૂઆતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે જણાવ્યું હતું કે, ફુગાવો અને ડિજિટલ પેમેન્ટ્સના ઉદયને કારણે વિશ્વભરમાં '1'ની નોટો ધીમે ધીમે અસ્તિત્વમાંથી ખતમ થઈ રહી છે. નેપાળ, જાપાન, અને UAE જેવા દેશોએ આવી નોટોને પહેલેથી જ બંધ કરી દીધી છે, જ્યારે ઊંચા ફુગાવા અથવા કડક ચલણી નિયંત્રણ ધરાવતા દેશોમાં આ નોટો દુર્લભ બની ગઈ છે. જે તેમના સંગ્રહનું મૂલ્ય વધારે છે.
તેમના સંગ્રહમાં કતારની ફિફા વર્લ્ડ કપ નોટ, સાઉદી અરેબિયાની G20 સમિટ નોટ, અને ફિજીની 7-ડોલરની અનોખી નોટ જેવી ખાસ સ્મારક નોટોનો સમાવેશ થાય છે, જે ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ છે.
સૌથી નાની ચલણી નોટ પણ દેશના આર્થિક પાયા અને લોકોના જીવનને દર્શાવે છે,
ફૈઝલએ ઉમેર્યું હતું. હવે તેઓ તેમના સંગ્રહને પ્રદર્શિત કરીને તેનો નાગારિકોને મહત્વપૂર્ણ સંદેશ પહોંચાડવા માંગે છે, નાનામાં નાની વસ્તુઓ પણ ઐતિહાસિક અને પ્રતીકાત્મક મહત્વ ધરાવી શકે છે. સંગ્રહ ઉપરાંત, ફૈઝલ કોન્સર્ટ ફોટોગ્રાફી પણ કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ