
સુરત, 02 એપ્રિલ (હિ.સ.) : શહેરના નાના વરાછા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકનું રિટર્ન ભરતા એકાઉન્ટન્ટ અને તેના દીકરાએ ભેગા મળી યુવકના ખાતામાંથી રૂપિયા 13 લાખ ચાઉં કરી લીધા હતા. જેથી આખરે બાદમાં તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને સુરતના નાના વરાછા ગિરનાર સોસાયટી પાસે આવેલ રૂક્ષ્મણી નગર સોસાયટીમાં રહેતા પંકજકુમાર ચતુરભાઈ સોજીત્રા અગાઉ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જોકે છેલ્લા ત્રણ ચાર વર્ષથી તેઓ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પંકજ કુમારના મોટાભાઈના સાળા દેવરાજભાઈ રામજીભાઈ બાપોદરીયા (રહે સુમન દર્શન ડી માર્ટ પાસે કોજવે રોડ સિંગણપોર) મૂળ વતન ગામ કંથારીયા તાલુકો સુડા જિલ્લો સુરેન્દ્રનગર) તેમનું રિટર્ન ભરતા હતા. જેના કારણે તેમને પંકજ કુમારના બેંકની તમામ માહિતી ખબર હતી અને સહી કરતા પણ આવડતી હતી. આ દરમિયાન પંકજ કુમારે તેમના અન્ય એક મિત્ર પાસેથી ઉછીના રૂપિયા 15,00,000 લીધા હતા. આ વાતની જાણ દેવરાજભાઈ ને થતા તેઓએ પંકજ કુમારની જાણ બહાર તેમના દીકરા ધાર્મિક અને અજાણી વ્યક્તિ સાથે મળી પંકજભાઈની સંમતિ વગર જ તેમના નામથી નવી ચેકબુક તેમજ પાસબુક ઈશ્યુ કરવા તેમજ એસએમએસ સર્વિસ બંધ કરવાની ધી વરાછા કો ઓપરેટિવ બેન્ક કાપોદ્રા શાખામાં ખોટી અરજી રજૂ કરી હતી અને ત્યારબાદ નવી પાસબુક અને ચેકબુક મેળવી લઈ તેમાં નવીન ચેકોમાં પંકજ કુમારની ખોટી સહીઓ કરી ખોટા સહીવાળા ચેક તેઓએ બેંકમાં ભરી રૂપિયા 13 લાખ જેટલી રકમ વિજયભાઈ રામજીભાઈ બાપોદરીયા તથા ભાવના એન્ટરપ્રાઇઝના ખાતામાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર પંકજ કુમારે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દેવરાજભાઈ તથા તેના દીકરા ધાર્મિક અને અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે