
ગીર સોમનાથ 2 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વહીવટી તંત્રની સજ્જતા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી સંબંધિત તૈયારીઓની વિગતો પત્રકારોને આપી હતી. આ સાથે જ જિલ્લામાં આદર્શ આચારસંહિતાનો અમલ શરુ થઈ ગયો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયતની ૨૮ બેઠકો, ૬ તાલુકા પંચાયતની ૧૨૮ બેઠકો અને ૪ નગરપાલિકાના ૩૨ વોર્ડની ૧૨૮ બેઠકો મળી અને કુલ ૨૫૬ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
જિલ્લા-તાલુકા પંચાયત અંતર્ગત વેરાવળમાં કુલ ૧,૧૮,૯૭૦, તાલાલામાં ૮૪,૮૨૨, સૂત્રાપાડામાં ૯૭,૩૨૪, કોડીનારમાં ૧,૪૪,૧૬૭, ઉનામાં ૧,૬૭,૩૨૫ અને ગીરગઢડામાં ૯૯,૩૮૦ મતદારો નોંધાયા છે. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં વેરાવળમાં ૧,૩૩,૯૨૧, તાલાલામાં ૧૫,૦૫૩, સૂત્રાપાડામાં ૧૬,૧૧૪, ઉનામાં ૪૧,૮૨૦ મળી કુલ ૨,૦૬,૯૦૮ મતદારો નોંધાયા છે.
જિલ્લા-તાલુકા પંચાયતની વિગતો આપતા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ૮૧૫ મતદાન મથકો પર ૧૮ ચૂંટણી અધિકારીઓ, ૨૪ મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ ૯૪ ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરશ્રીઓ સહિત ૪,૪૮૫ પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. ૭૬ માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલિમ આપવામાં આવી છે. આ ચૂંટણી માટે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
નગરપાલિકા અંતર્ગતની વિગતો આપતા કલેક્ટએ જણાવ્યું હતું કે, ૧૯૫ મતદાન મથકો પર ૪ ચૂંટણી અધિકારીઓ, ૪ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ ૨૨ ઝોનલ-મદદનીશ ઝોનલ ઓફિસરશ્રીઓ સહિત ૧,૦૭૩ પોલિંગ સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે. ૨૬ માસ્ટર ટ્રેનરની મદદથી તમામને ચૂંટણીની તાલીમ આપવામાં આવી છે. નગરપાલિકાની ચૂંટણી માટે વેરાવળ, તાલાળા, સૂત્રાપાડા અને ઉના ખાતે રિસિવિંગ-ડિસ્પેચિંગ સેન્ટર, ઈ.વી.એમ સ્ટ્રોંગરુમ તથા મતગણતરી કેન્દ્ર પણ નક્કી કરવામાં આવ્યાં છે.
ઉમેદવારોના ચૂંટણી માટેના ખર્ચની મર્યાદા વિશે કલેક્ટરશ્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવારો માટે રુ. ૬ લાખ, તાલુકા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે રુ. ૩ લાખ તેમજ એક થી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકા દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. ૨.૨૫ લાખ અને નવ વોર્ડ થી વધુ માટે દરેક વોર્ડના ઉમેદવાર માટે રુ. ૩.૫૦ લાખ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
આ ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તા. ૬ એપ્રિલ તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા. ૧૧ એપ્રિલ, ઉમેદવારી પત્ર ચકાસણી માટે તા.૧૩ એપ્રિલ તેમજ ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તા. ૧૫ એપ્રિલ રહેશે. તા.૨૬ એપ્રિલના રોજ સવારે ૭.૦૦ કલાકથી સાંજે ૬.૦૦ કલાક સુધી મતદાન યોજાશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે.
ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ઉમેદવારોએ નિર્ધારીત ડિપોઝિટ અને ફોર્મ ફી ભરી નિર્ધારિત સમયમાં પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી બની લોકો લોકશાહીના આ અવસરમાં પોતાની પવિત્ર ફરજ બજાવે એવી કલેક્ટરએ જિલ્લાના મતદારોને અપીલ કરી છે.
આ પ્રેસ કોન્ફરન્સમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોશી તેમજ પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ