
સુરત, 02 એપ્રિલ (હિ.સ.) : શહેરના શાહપોર વિસ્તારમાં રહેતા અને શેર બજાર તથા જમીન દલાલીનું કામ કરતા યુવકને ઠગબાજ મહિલા ભેટી ગઈ હતી. ટીંડર એપ્લિકેશન મારફતે સંપર્કમાં આવેલી યુવતીએ હોટલની રૂમમાં મુલાકાત ગોઠવી જમવામાં ઘેની પદાર્થ નાખી યુવકને બેભાન કરી નાખ્યો હતો અને ત્યારબાદ તેના શરીર પર રહેલા રૂપિયા 8.95 લાખના સોનાના દાગીના તફડાવી લુટી ફરાર થઈ ગઈ હતી. જેથી આખરે બનનાર યુવકે આ મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના શાહપોર વિસ્તારમાં આવેલ ચિંતામણી જૈન દેરાસરની સામે રહેતા 39 વર્ષીય પ્રશાંતભાઈ શશીકાંતભાઈ શાહ શેરબજાર અને જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ એપ્લિકેશન મારફતે સારિકા ગુપ્તા નામની યુવતીના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ અવારનવાર તેઓ એકબીજા સાથે વાતચીત કરતા હતા. આ દરમિયાન સારિકા ગુપ્તાએ પોતાની ઓળખ સોપારીના વેપારી તરીકે આપી હતી અને અવારનવાર તે સુરતમાં અન્ય સોપારીઓના વેપારીઓને મળવા માટે આવતી હોવાનું જણાવ્યું હતું. જેથી પ્રશાંત શાહે પણ સોપારીના ધંધામાં રસ દાખવી તેમની સાથે મુલાકાત માટે જણાવ્યું હતું. ત્યારબાદ સુરત આવેલી સારિકા ગુપ્તા નામની મહિલાએ શહેરના પાલનપુર કેના રોડ પર આવેલ કેનાલ વોક શોપર્સમાં પાંચમાં માળે આવેલ હોટલ ફોર સિઝનમાં રૂમ રાખ્યો હતો. જ્યાં પ્રશાંતભાઈ ને મળવા માટે બોલાવ્યા હતા. શરૂઆતમાં બે દિવસ મીટીંગ કેન્સલ થઈ હોવાનું કહીને મુલાકાત ટાળી હતી. જોકે ત્યારબાદ તારીખ 8/11/2025 ના રોજ સાંજે 6:00 વાગે અરસામાં સારિકાએ પ્રશાંતભાઈ ને મળવા માટે બોલાવ્યા હતા અને સાથે જમવાનું લાવવા પણ જણાવ્યું હતું. જેથી પ્રશાંતભાઈ જમવાનું લઈને હોટલ પર ગયા હતા. આ સમયે સારિકાએ અન્ય વેપારીઓને હજી આવતા થોડી વાર લાગશે ત્યાં સુધીમાં આપણા જમી લઈએ તેમ કહીને જમવાનું ચાલુ કર્યું હતું. જોકે બાદમાં પ્રશાંતભાઈ ના જમવામાં ઘેની પદાર્થ નાખી દેતા તે જમીને બેભાન થઈ ગયા હતા. જેનો લાભ ઉઠાવી સારિકા ગુપ્તાએ તેના શરીર પર પહેરેલ સોનાની ચેઈન તથા બે વીટી મળી કુલ રૂપિયા 8.95 લાખમાં દાગીના ઉતારી લઇ પલાઈન થઈ ગઈ હતી. બીજા દિવસે સવારે ભાનમાં આવેલા પ્રશાંતભાઈએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં તેમણે આ મામલે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સારીકા ગુપ્તા નામની મહિલા સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારનો વિડીયો કોલ હોવાનું કહી બાથરૂમમાં મોકલ્યા
પ્રશાંતભાઈ જમવાનું લઈને આવ્યા ત્યારે બંને સાથે જમવા બેઠા હતા. જોકે થોડીવાર બાદ સારિકા ગુપ્તાએ મારે પરિવારનો વિડીયો કોલ આવે છે તમે બાથરૂમમાં સંતાઈ જાવ તેવું કહીને તેમને બાથરૂમમાં મોકલી દીધા હતા. જોકે ત્યારબાદ સારિકાએ જમવામાં ઘેની પદાર્થ નાખી દીધો હતો. ઘેની પદાર્થની મિલાવટ બાદ તેમણે પ્રશાંતભાઈને ફરીથી જમવા બોલાવી મને હવે ભૂખ નથી તમે જમી લો તેમ કહીને જમવાનું ટાળ્યું હતું. જેથી પ્રશાંતભાઈએ જમી લેતા તેમના પર અસર થઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા.
જમીન દલાલ 14 કલાકે ભાનમાં આવ્યા
સારિકા ગુપ્તા નામની મહિલાએ જમવામાં ભેળવેલો ઘેની પદાર્થ એટલો સખ્ત હતો કે પ્રશાંતભાઈ 14 કલાક બાદ ભાનમાં આવ્યા હતા. સારિકા સાથે રૂમમાં સાંજે 6:00 વાગે જમી લીધા બાદ પ્રશાંતભાઈ બેહોશ થઈ ગયા હતા અને બીજા દિવસે સવારે ચાર વાગ્યે તેઓને હોશમાં આવ્યા હતા. જેથી બાદમાં તેઓને જોતા માલુમ પડ્યું હતું કે સારિકા ગુપ્તા નામની મહિલા ગઈ કાલે સાંજે જ હોટલમાંથી નીકળી ગઈ હતી અને સાથે તેમના દાગીના ચોરી કરી લઈ ગઈ હતી. જેથી પ્રશાન્તભાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે