
જુનાગઢ 2 એપ્રિલ (હિ.સ.) રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ જૂનાગઢ જિલ્લા પંચાયત, જિલ્લાની તમામ ૯ તાલુકા પંચાયત, કેશોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા બાંટવા નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે, આ માટે જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી બી. એસ. બારડના માર્ગદર્શન અને સૂચના મુજબ જરૂરી કામગીરી શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને સુચારુ રીતે યોજવા માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની તાલીમ યોજાઈ હતી. જેમાં ચૂંટણીની માર્ગદર્શિકા અને પ્રક્રિયાથી અવગત કરવા માટે ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી અને નોડલ અધિકારઓને જરૂરી તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં ખાસ ચૂંટણી અધિકારીની સત્તા અને જવાબદારીઓ, મતદાન માટેની તૈયારીઓ, મતગણતરીની પ્રક્રિયા અને પરિણામ, મતદાન મથકના પ્રમુખ અધિકારીની સત્તા અને જવાબદારી, નામાંકન પ્રક્રિયા, ઇવીએમનું સંચાલન વગેરે મુદ્દાઓને આવરી લઈ માસ્ટર ટ્રેનર ચરણસિંહ ગોહિલ અને શ્રી કિશન ગરચર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦, જિલ્લાની ૯ તાલુકા પંચાયતની કુલ ૧૫૮, કેશોદ નગરપાલિકાની ૩૬ બેઠક અને બાંટવા નગરપાલિકાની એક બેઠક પર પેટા ચૂંટણી માટે તા.૨૬ એપ્રિલના રોજ મતદાન થશે અને તા.૨૮ એપ્રિલના રોજ મત ગણતરી કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ