
જૂનાગઢ 2 એપ્રિલ (હિ.સ.) હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૦૩ અને ૦૪ એપ્રિલ દરમિયાન માવઠા તથા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી જૂનાગઢ જિલ્લાના નાયબ બાગાયત નિયામકશ્રી દ્વારા ખેડૂતોના હિતમાં બાગાયતી પાકોના રક્ષણ માટે ટેકનિકલ ભલામણો જાહેર કરવામાં આવી છે.
આ ભલામણ મુજબ ખેતરમાં પરિપક્વ થયેલ ફળ અને શાકભાજી સહિતના બાગાયતી પાકો ઉતારી લેવા તેમજ તૈયાર ખેત પેદાશો સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક તાડપત્રી થી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીની પાળો બનાવી વરસાદનું પાણી ઢગલા ની નીચે જતું અટકાવવું. કોઈ પણ રાસાયણિક/ સેન્દ્રીય ખાતરો કે હોર્મોસ તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો. વાદળછાયું વાતાવરણ અથવા વરસાદ પછી તાત્કાલિક ભૂકી છારા જેવા રોગ લાગવાની શક્યતાઓ રહેલી છે. જેના નિયંત્રણ માટે બગીચામાં અવલોકન કરતા રહેવું અને જરૂર જણાય તો કાર્બેન્ડેજીમ + મેન્કોજેબ અથવા હેકઝાકોનાજોલ પ ટકા અથવા થાયોફિનાઈટ મિથાઇલ અથવા ટેબ્યુ સલ્ફર ૧૦૦૦ લીટરમાં એક કિલો છટકાવ કરવો તેમજ ચુસિયા જીવતો કે ને મગીયા ઈયળનો ઉપદ્રવ જણાય તો પ્રોફેનો સાયપર ૪૦+ ૪ ઈસી.૧ લીટર પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.
આંબામાં માવઠા તેમજ કમોસમી વરસાદ અન્વયે આંબાના પાકમાં કેરીનું ખરણ તેમજ ફળ ઉપર પાણી પડતા કાળા ડાઘ પડવાની શક્યતાઓ રહે છે. જેની અગમચેતીના પગલા રૂપે ખેડૂતોએ નીચે મુજબના પગલાંઓ ભરવા જોઈએ. ખરણ અટકાવવા માટે NAA ૨૦ પીપીએમ + ૨ ટકા યુરિયાનો છટકાવ કરવો. ભેજવાળું વાતાવરણ થતા ફુગજન્ય રોગ અટકાવવા માટે બાવીસ્ટીન ૧૦ ગ્રામ/૧૦ લીટર મુજબ છંટકાવ કરવો.
ચીકુના પાક માં હાલ કાંપણી ચાલુ છે. આ સમય દરમિયાન વાવાઝોડું /કમોસમી વરસાદ આવે તો પાકટ ફળોનું ખરણ થવાની શક્યતાઓ રહેશે. ફળોનું ખરણ અટકાવવા માટે નીચે મુજબના પગલા ભરવા. ખરણ થયેલ/નીચે પડી ગયેલ ફળો તાત્કાલિક ભેગા કરવા જેથી ફળમાખીનો એટેક અટકાવી શકાય. અગમચેતીના ભાગરૂપે કમોસમી વરસાદ પહેલા જ ફળમાખીના નિયંત્રણ માટે જરૂરિયાત મુજબ બગીચામાં ફેરોમેન ટ્રેપ લગાડવા. લીંબુ માટે સતત ભેજવાળા/ કમોસમી વરસાદને કારણે વરસાદ બાદ canker આવવાની શક્યતાઓ રહેશે જે માટે સ્ટેપટોસાયકલીન ૧૦૦ પીપીએમનો છંટકાવ કરવો. ખરેલા ફળો ભેગા કરવાનુ જૂનાગઢ નાયબ બાગાયત નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ