
અમરેલી, 02 એપ્રિલ (હિ.સ.)
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ભુરખિયા ગામે સ્થિત સુપ્રસિદ્ધ ભુરખિયા હનુમાનજી દાદાના મંદિરે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય ધાર્મિક ઉજવણી યોજાઈ હતી. ભગવાન શ્રી રામદૂત હનુમાનજીના પ્રાગટ્ય દિન નિમિત્તે વર્ષોથી ચાલતી આ પરંપરા મુજબ આ વર્ષે પણ લાખો ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે પગપાળા યાત્રા કરીને ભુરખિયા ધામ પહોંચ્યા હતા.
દેશ-વિદેશમાં આસ્થાનું પ્રતીક ગણાતા સ્વયંભૂ પ્રગટ ભુરખિયા હનુમાનજી દાદાના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક ભક્તો દિવસો સુધી ચાલીને, ભજન-કીર્તન સાથે યાત્રા કરતા ધામે પહોંચ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.
મંદિર પરિસરમાં વિશેષ પૂજા, આરતી અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો યોજાયા હતા. સ્થાનિક ટ્રસ્ટ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા યાત્રાળુઓ માટે પાણી, ભોજન અને આરામની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી, જેના કારણે ભક્તોને કોઈ મુશ્કેલી ન પડે.
આ પાવન અવસરે ભુરખિયા ગામે અદભુત ભક્તિ અને એકતાનો માહોલ સર્જાયો હતો. ભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરીને જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai