
સુરત, 02 એપ્રિલ (હિ.સ.): સુરત શહેરે ફરી એકવાર અનોખી ધાર્મિક ઉજવણી દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમમાં હનુમાન જયંતિ નિમિત્તે વિશાળ 7,000 કિલો વજનનો લાડુ તૈયાર કરી ભગવાન હનુમાનને અર્પણ કરવામાં આવ્યો. આ ભવ્ય પ્રસાદને શહેરના ઇતિહાસમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશભરમાં ચર્ચા જગાઈ છે.
આ મહાપ્રસાદ બનાવવો સહેલો નહોતો. લગભગ 50 રસોઈયાઓએ સતત 48 કલાક મહેનત કરીને આ લાડુ તૈયાર કર્યો હતો. તેને આકાર આપવા માટે 12 ફૂટ વ્યાસ અને 6 ફૂટ ઊંચાઈ ધરાવતી ખાસ લોખંડની ફ્રેમ બનાવવામાં આવી હતી, જેના કારણે લાડુને મજબૂત અને આકર્ષક સ્વરૂપ મળી શક્યું.
લાડુ બનાવવામાં મોટી માત્રામાં સામગ્રીનો ઉપયોગ થયો હતો. અંદાજે 3,000 કિલો ખાંડ, 2,000 કિલો ચણાની દાળ, 100 ડબ્બા ઘી-તેલ તેમજ 300 કિલો જેટલો સૂકો મેવો ઉમેરાયો હતો. આ તૈયારીઓ 30 તારીખની સવારે શરૂ થઈ અને 1 તારીખની મધરાત સુધી સતત ચાલતી રહી.
હનુમાનજીને ભોગ ધરાવ્યા પછી આ લાડુના દર્શન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આશ્રમ દ્વારા પ્રસાદનું વિતરણ શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે, જેથી વધુમાં વધુ લોકો આ મહાપ્રસાદનો લાભ લઈ શકે. સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ’ અને ‘જય હનુમાન’ના નાદ સાથે ભક્તિમય બની ગયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે