


પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સ્વસ્થ અને સુવ્યવસ્થિત બનાવવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ તથા સ્વચ્છતા નિયમોનો ભંગ કરનારાઓ સામે સમયાંતરે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા વધુ એક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સેનિટેશન ઓફિસર જગદીશ ઢાંકીના જણાવ્યા મુજબ TVS મોટર કંપની તરફથી રિક્ષા મારફતે જાહેરમાં એડવર્ટાઈઝિંગ દરમિયાન કચરો (પેમ્પલેટ/જાહેરાત સામગ્રી) ઉડાડવામાં આવી રહ્યો હતો, જેના કારણે શહેરના માર્ગો અને જાહેર વિસ્તારોમાં ગંદકી ફેલાતી હતી. આ બાબતને ગંભીરતાથી લેતા સેનિટેશન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી અને નિયમોના ભંગ બદલ સંબંધિત પક્ષ સામે રૂ. 2,000/- (બે હજાર) નો દંડ ફટકારવામાં આવ્યો છે. સાથે સાથે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ ન કરવામાં આવે તે માટે કડક ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો, વેપારીઓ તેમજ વિવિધ સંસ્થાઓને અનુરોધ કરવામાં આવ્યો કે તેઓ સ્વચ્છતા જાળવવા માટે સહકાર આપે તથા જાહેરમાં કચરો ન ફેંકે. સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું દરેક નાગરિકની જવાબદારી છે. સ્વચ્છ અને સુંદર શહેર તરીકે વિકસાવવામાં વધુ પ્રગતિ થઈ શકે તે માટે આવનારા દિવસોમાં પણ આવા પ્રકારના નિયમભંગ સામે સતત દેખરેખ રાખી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya