



પોરબંદર, 02 એપ્રિલ (હિ.સ.) : માધવપુર ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના વિવાહોત્સવ બાદ આજે સાંજે દ્વારકા ખાતે રુક્મિણીના સત્કાર સમારોહ યોજાશે ત્યારે આ ભવ્ય શોભાયાત્રાનું માધવપુર પ્રસ્થાન કરી હતી અને પોરબંદર ખાતે પહોચતા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પરંપરાગત રીતે ભવ્ય “પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રા”સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિરભનુની ખાંભીથી પ્રારંભ થયેલી આ શોભાયાત્રા કમલાબાગ હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક માર્ગે પસાર થઈ બોખીરા બસ સ્ટેન્ડ સુધી ભવ્ય રીતે નીકળી હતી. સુશોભિત રથમાં બિરાજમાન પ્રતિકાત્મક વેશમાં ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના દર્શન માટે શહેરભરના ભક્તો ઉમટી પડ્યા હતા. માર્ગમાં ફૂલોની વર્ષા, ઢોલ-શરણાઈના સૂર અને રાસ-ગરબાની રમઝટ સાથે શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા.
સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી, મહાનગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિ તથા જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના મહાનુભાવોએ પ્રતિકાત્મક ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીને હાર પહેરાવી આવકાર આપ્યો હતો. આ પ્રસંગે ઢોલ-શરણાઈના નાદ અને રાસના તાલે સમગ્ર વાતાવરણ આનંદમય બની ગયું હતું.
જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિત અધિકારીઓ પણ રાસમાં જોડાતા લોકઉલ્લાસ બમણો થયો હતો. શહેરના વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભાવભીનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. ચંચાણીયા સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya