
સુરત, 02 એપ્રિલ (હિ.સ.) : સુરતના નવાગામ ડિંડોલી ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં ગત સાંજે લગભગ પોણા આઠ વાગ્યાના સુમારે એક રૂમની અંદર ગેસ લીકેજને પગલે આગ લાગતા આશાદેવી વિક્રમ કાપર (ઉ.વ.30 ) તથા તેમના બે માસુમ બાળકો 7 વર્ષીય માધુરી વિક્રમ કાપર અને 3 વર્ષીય માસુમ દિવ્યાંશ વિક્રમ કાપર તેમજ અન્ય એક રહીશ 35 વર્ષીય પવન ગિરધર ખટીક દાઝી ગયા હતા.આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ઘટનાને પગલે સ્થળ પર સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા અને ત્યાર બાદ તમામને 108 એમ્બ્યુલેન્સ દવારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા.જ્યાં હાલમાં માતા આશાદેવી અને તેમના બન્ને બાળકો સારવાર હેઠળ છે, જ્યારે પવન ખટીક પોતાની મરજીથી અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ગયો હતો. વધુમાં જાણવા મળ્યું છે કે વિક્રમ કાપર જરીનું કામ કરીને પોતાની પત્ની અને ચાર સંતાનોનો ગુજરાન ચલાવે છે. તેઓ ગત સાંજે કામ પર હતા ત્યારે આ ઘટના બની હતી. ઘટના અંગે તપાસ કરનાર ડિંડોલી પોલીસ સ્ટેશનન પીએસઆઇ બી.એ.ગોહિલએ આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે પવન ખટીક ગેસ રીપેરીંગની ધંધો કરે છે અને પરિવારના ઘરે ગેસનો ચૂલો રીપેરીંગ કરવા માટે ગયો હતો ત્યારે ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી, જોકે આ ઘટના અંગે તમામ તપાસ ચાલી રહી છે.
ગેરકાયદેસર ગેસ રિફિલિંગનો વેપલો કરાતો
વિક્રમ કાપરએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પવન ખટીક ડિંડોલીમાં રહે છે અને તેમના ઘરની નજીક દુકાનમાં ગેરકાયેદસર રીતે ગેસના મોટા બાટલમાંથી નાના બાટલમાં ગેસ રિફિલિંગનો ધધો કરતો, પરંતુ હાલમાં ગેસને લઈને બબાલ ચાલી રહી છે તેથી તે અમારી રૂમની બાજુમાં રહેતા એક રૂમની અંદર ચોરી છુપી રીતે ગેસ રિફિલિંગનો ધન્ધો કરી રહ્યો હતો. તે ગેસના મોટા બાટલામાં રૂમમાં રાખતો હતો હતો અને જ્યાં તેની દુકાન હતી ત્યાં બેસીને ગ્રાહકોની રાહ જોતો, ગ્રાહક આવે ત્યારે રૂમમાં જઈને તેમને ગેસ ભરીને આપતો હતો. તેની રૂમમાંથી ગેસની વાસ આવતી જેથી ગઈ કાલે સાંજે મારી પુત્રી માધુરી તેને જાણ કરવા ગઈ હતી ત્યારે તે રૂમમાં ગયો હતો અને લાઈટની સ્વિચ ચાલુ કરતા જ આગ લાગી ગઈ હતી. આ ઘટના બની ત્યારે મારી પત્ની આશાદેવી બન્ને બાળકો લઈને રૂમની બહાર બેઠી હતી ત્યારે તેઓ આ ઘટના ભોગ બની ગયા હતા. સદનસીબે અન્ય બે બાળકો 7 વર્ષીય લાડલી ઉર્ફે સલોની અને 5 વર્ષીય જીવા ટ્યુશન ગયા હતા અને તેઓ આ ઘટનાના ભોગ બનતા બચી ગયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે