
જામનગર, 03 એપ્રિલ (હિ.સ.) :જામનગરમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક મહત્ત્વપૂર્ણ ટ્રેપ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને રૂપિયા 4,52,000ની લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપવામાં આવતાં સરકારી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, ફરીયાદીના મિત્રને લાખાબાવળ ગામ નજીક હાઇવે પર આવેલા રિસર્ચ સેન્ટર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોજપ ગામે આવેલ બી.એસ.એફ. મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ મળેલો હતો. આ કામગીરીના બિલ મંજુર કરવા બદલ આરોપી મદદનીશ ઇજનેરે રૂપિયા ૪.૫૨ લાખની લાંચ માગી હતી.
ફરીયાદી લાંચ આપવા તૈયાર ન થતાં તેઓએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેના આધારે ફિલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી તથા તેમની ટીમ દ્વારા આયોજનબદ્ધ રીતે ટ્રેપ ગોઠવવામાં આવી હટી. 2 એપ્રિલ 2026ના રોજ જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સી.પી.ડબલ્યુ.બી. કચેરીમાં ટ્રેપ દરમિયાન આરોપીએ લાંચની રકમ સ્વીકારી હતી. આ દરમિયાન મોબાઇલમાં થયેલી વાતચીતમાં લાંચ અંગેની કબૂલાત પણ નોંધાઈ હતી. તરત જ એ.સી.બી. ટીમે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
આ સફળ કામગીરી એ.સી.બી.ના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી. આ ઘટનાથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી ચાલુ છે અને આવા તત્વો હવે લાંબા સમય સુધી બચી શકશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt