
ભરૂચ,03 એપ્રિલ ( હિ. સ ) શહેરના એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકે કોલેજિયન યુવતીનું અપહરણ કરી, તેને ગોંધી રાખી ઢોર માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલી યુવતી હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી વિગતો અનુસાર, આરોપી જયેન્દ્ર પરમાર નામનો યુવક છેલ્લા કેટલાક સમયથી એક કોલેજિયન યુવતીનો પીછો કરી રહ્યો હતો. ગત રોજ આરોપીએ યુવતીને બ્લેકમેઈલ કરી લલચાવી-ફોસલાવી પોતાની સાથે ગાડીમાં બેસાડી હતી. ત્યારબાદ તે યુવતીને ત્રાલસા ગામની સીમમાં આવેલા એક ખેતરના રૂમમાં લઈ ગયો હતો.ત્યાં યુવતીએ વિરોધ કરતા ઉશ્કેરાયેલા જયેન્દ્રએ તેને રૂમમાં પૂરી દીધી હતી અને લોખંડના પાઈપ કે અન્ય હથિયાર વડે ગંભીર પ્રકારનો માર માર્યો હતો. આરોપીએ યુવતીની હત્યા કરવાના ઈરાદે તેના માથાના ભાગે જીવલેણ પ્રહાર કર્યા હતા.
યુવતીની હાલત નાજુક: બ્રેઈન હેમરેજ થયું
હુમલાના પગલે યુવતી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તબીબી અહેવાલ મુજબ, હુમલાને કારણે યુવતીને માથામાં ફ્રેક્ચર થયું છે અને બ્રેઈન હેમરેજ જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. હાલ તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાની જાણ થતા જ એ-ડિવિઝન પોલીસ કાફલો હરકતમાં આવ્યો હતો. પી.આઈ. આર.એમ. વસાવા ના માર્ગદર્શન હેઠળ પોલીસે આરોપી જયેન્દ્ર પરમાર વિરુદ્ધ:
હત્યાનો પ્રયાસ અપહરણ છેડતી ગેરકાયદેસર અટકાયત,જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. રિમાન્ડ દરમિયાન આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને હથિયાર ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.
આ કિસ્સાને પગલે એ-ડિવિઝન પી.આઈ. એ જણાવ્યું છે કે, કોઈપણ કોલેજિયન યુવતી કે મહિલાને જો કોઈ અજાણ્યો કે ઓળખીતો શખ્સ હેરાન કરતો હોય, પીછો કરતો હોય કે બળજબરીથી ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરતો હોય, તો ડર્યા વગર તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ, જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે જીવનું જોખમ ટાળી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ