
પાટણ, 03 એપ્રિલ (હિ.સ.) : ચાણસ્મા શહેરમાં જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે ૩ એપ્રિલના રોજ સીસીટીવી કેમેરા સ્થાપન માટે મહત્વપૂર્ણ સર્વે હાથ ધરાયો હતો. આ આયોજન શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને આધુનિક બનાવવાના પ્રયાસરૂપે કરવામાં આવ્યું છે.
આ સર્વેમાં ચાણસ્મા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પંડ્યા અને તેમની ટીમ સાથે જીઇબી અને ટેલિફોન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા. તેઓએ શહેરના મુખ્ય ચોક, ત્રિ-રસ્તા વિસ્તાર, મોટા મંદિરોની આસપાસ અને વધુ ભીડવાળા જાહેર સ્થળોનું નિરીક્ષણ કર્યું હતું.
સર્વેનો હેતુ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી ટ્રાફિક નિયંત્રણ, જાહેર સલામતી અને ગુનાખોરી પર નિયંત્રણ વધારવાનો છે, જેથી ભવિષ્યમાં અનિચ્છનીય ઘટનાઓ પર ઝડપી નજર રાખી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ