
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.)
જિલ્લા કલેક્ટર દ્વારા આજ રોજ મહેસાણા તાલુકાના ચરાડુ ગામ ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ પ્રાથમિક સુવિધાઓ, દવાઓનો જથ્થો, મેડિકલ સાધનો અને સ્ટાફની હાજરી અંગે ચકાસણી કરવામાં આવી હતી.
કલેક્ટરશ્રીએ દર્દીઓને આપવામાં આવતી સારવારની પ્રક્રિયા અંગે માહિતી મેળવી અને આરોગ્ય સેવાઓ સમયસર તથા ગુણવત્તાસભર રીતે ઉપલબ્ધ થાય તે માટે ખાસ સૂચનાઓ આપી હતી. સાથે જ આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતા જાળવવા અને દર્દીઓને સગવડરૂપ વાતાવરણ ઉપલબ્ધ રહે તે માટે ધ્યાન આપવા જણાવ્યું હતું.
સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને આરોગ્ય સેવાઓમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા, જરૂરી દવાઓનો પુરતો જથ્થો જાળવવા અને દર્દીઓ સાથે સહાનુભૂતિપૂર્ણ વર્તન રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ બને અને દરેક નાગરિક સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચે તે માટે સતત દેખરેખ રાખવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી હતી.
આ મુલાકાતથી ચરાડુ ગામમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR