
ગીર સોમનાથ 3 એપ્રિલ (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની દિશામાં ગીર સોમનાથ પોલીસે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કદવાર ગામે માન્ય ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોકટર સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ રેન્જ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નિર્દેશ અનુસાર, જિલ્લામાં ચાલી રહેલી તપાસ અને પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવાનીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ સુત્રાપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ ખાનગી બાતમીના આધારે મેડિકલ ઓફિસર પ્રવીતાબેન પ્રદીપભાઈ દાહીમાને સાથે રાખી સુત્રાપાડા તાલુકાના કદવાર ગામ વિસ્તારમાં રેડ હાથ ધરવામાં આવી હતી.
રેડ દરમિયાન શબ્બીર એમન મહિડા (રહે. પ્ર. પાટણવાળો, ગે.કા.) નામનો ઇસમ કોઈપણ માન્ય ડિગ્રી અથવા સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે ક્લિનિક ચલાવતો હોવાની હકીકત સામે આવી હતી. આરોપી દ્વારા એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો રાખી દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, જે લોકોના જીવન સાથે સીધો જોખમ ઉભું કરતું હતું.
પોલીસે સ્થળ પરથી જુદી જુદી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો મળી કુલ 11 નંગ સામગ્રી (કિંમત રૂ. 7,860/-) કબ્જે કરી હતી. આ મામલે સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આરોપી સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આરોપી દ્વારા કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી દર્દીઓને સારવાર આપી તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા ગુનો આચરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ પોલીસ દ્વારા આવા બોગસ ડોકટરો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી ચાલુ રહેશે તેવી પણ ખાતરી આપવામાં આવી છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ