
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના મુંજીયાસર ગામે વિકાસના મહત્વપૂર્ણ પગલાંરૂપે નવનિર્મિત પ્રાથમિક શાળા અને પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આશરે રૂ. ૮૩.૬૦ લાખના ખર્ચે બનેલી આધુનિક પ્રાથમિક શાળા અને રૂ. ૩૬ લાખના ખર્ચે નિર્માણ પામેલ પેટા આરોગ્ય કેન્દ્રથી ગામમાં શિક્ષણ અને આરોગ્ય બંને ક્ષેત્રે સુવિધાઓમાં વધારો થયો છે.
આ લોકાર્પણ પ્રસંગે ધારી-બગસરા વિસ્તારના ધારાસભ્ય જે.વી. કાકડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજભાઈ મહીડા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર, મહામંત્રી પ્રકાશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી ખોડાભાઈ સાવલિયા તેમજ નાના મુંજીયાસર ગામના સરપંચ પરષોત્તમભાઈ વઘાસીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનોએ જણાવ્યું હતું કે સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા પ્રતિબદ્ધ છે. નવી શાળાથી વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળશે, જ્યારે આરોગ્ય કેન્દ્રથી ગામલોકોને પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવાઓ સ્થાનિક સ્તરે જ ઉપલબ્ધ થશે.
ગામજનોમાં આ વિકાસ કાર્યોને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. આ બંને પ્રોજેક્ટ મુંજીયાસર ગામના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai