
નવસારી, 03 એપ્રિલ (હિ.સ.): આજના ડિજિટલ યુગમાં વ્યક્તિની ઓનલાઈન ઓળખ તેની પ્રતિષ્ઠા જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. સાયબર ગુનેગારો હવે માત્ર બેંક ખાતાઓને જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સને પણ ટાર્ગેટ કરી રહ્યા છે. નવસારીમાં બનેલી તાજી ઘટના દર્શાવે છે કે નાની બેદરકારી, જેમ કે ઓટીપી શેર કરવો, કેટલું મોટું નુકસાન કરી શકે છે.
નવસારીના એક વેપારીએ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા વ્યક્તિએ તેમની પત્નીને વિશ્વાસમાં લઈ ઓટીપી મેળવી લીધો. ઠગે પહેલે વોટ્સએપ એકાઉન્ટ કબજે કર્યું અને ત્યારબાદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ હેક કરી લીધા. આરોપીએ પત્નીના નામ અને ફોટાનો ઉપયોગ કરીને તેમના સંપર્કમાં રહેલા લોકો પાસે નાણાં માગવાનું શરૂ કર્યું, જેના કારણે પરિવારને આઘાત લાગ્યો.
સાયબર નિષ્ણાતો મુજબ, આવી ઠગાઈથી બચવા માટે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. કોઈ પણ પરિસ્થિતિમાં ઓટીપી શેર ન કરવો જોઈએ. વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન સક્રિય રાખવાથી સુરક્ષા વધુ મજબૂત બને છે. આ સુવિધા ચાલુ રાખવાથી, ભલે કોઈને ઓટીપી મળી જાય, તેમ છતાં તે તમારા એકાઉન્ટમાં પ્રવેશ મેળવી શકશે નહીં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે