
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા તાલુકાના નદાસા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ચાલી રહેલા મેડિકલ કેમ્પની જિલ્લા આરોગ્ય અધિકારી તથા ઈએમઓ (EMO) દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓની સ્થિતિનું નિરીક્ષણ કરવો અને સ્થળ પર જ માર્ગદર્શન આપવાનો હતો.
મુલાકાત દરમિયાન અધિકારીઓએ આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સુવિધાઓ, દર્દીઓને આપવામાં આવતી સારવાર, દવાઓની ઉપલબ્ધતા તેમજ સ્ટાફની કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. સાથે જ મેડિકલ કેમ્પમાં આવનારા દર્દીઓની સંખ્યા અને તેમને આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી મેળવી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી અને ઈએમઓએ હાજર સ્ટાફ સાથે બેઠક યોજી તેમને આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પૂરી પાડવા માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. ખાસ કરીને સ્વચ્છતા, સમયસર સારવાર અને દર્દી પ્રત્યે સંવેદનશીલતા રાખવા પર ભાર મૂકાયો હતો.
આ મુલાકાતથી આરોગ્ય વિભાગની કામગીરીમાં વધુ સુધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સ્થાનિક લોકો માટે આ મેડિકલ કેમ્પ અને આરોગ્ય કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે, જેના કારણે તેમને નજીકમાં જ સારવારની સુવિધા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR