
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી શહેરના સર્વાંગી વિકાસ અને શહેરી સુખાકારી વધારવાના ઉદ્દેશ સાથે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. અમરેલીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના પ્રયત્નોથી ઠેબી નદી કિનારે રિવરફ્રન્ટ બનાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને રાજ્ય સરકાર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે અગાઉ રૂ. 50.03 કરોડની મંજૂરી આપી હતી. હવે તેમાં વધારો કરીને વધારાના રૂ. 60.71 કરોડ ફાળવતા કુલ રૂ. 110.74 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ હાથ ધરવામાં આવશે.
પ્રોજેક્ટ અંતર્ગત ઠેબી નદીમાં સોમનાથ મહાદેવ મંદિર બ્રિજથી કામનાથ બ્રિજ સુધીના આશરે 0.76 કિલોમીટર વિસ્તારમાં ભવ્ય અને આધુનિક રિવરફ્રન્ટ વિકસાવવામાં આવશે. આ વિકાસકાર્યથી શહેરની સુંદરતા વધશે તેમજ નાગરિકોને મનોરંજન અને આરામ માટે નવી સુવિધાઓ ઉપલબ્ધ થશે.
આ પ્રોજેક્ટ અમરેલી માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે, જેનાથી શહેરના આધુનિકીકરણ અને પર્યટન વિકાસને પણ પ્રોત્સાહન મળશે. સ્થાનિક લોકોમાં આ નિર્ણયને લઈને આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai