
અમરેલી, 03 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના ઢોલરવા ગામમાં જાહેર થયેલી ‘જીવતા સમાધી’ની ઘટના તંત્રની તાત્કાલિક દખલ અને જાગૃત સંગઠનોના પ્રયાસોથી અટકાવવામાં આવી છે. અરજણ રૂડાભાઈ ખુમાણ દ્વારા 2 એપ્રિલે ઈચ્છા મૃત્યુ લઈને સમાધિ લેવાની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે ગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે કૌતુક અને શ્રદ્ધાનો માહોલ સર્જાયો હતો. ઘણા ભાવિકોએ આ ઘટનાને સાચી માની તેમના ઘરે જઈ સન્માન આપ્યું હતું.
પરંતુ આ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરતા સમાજના જાગૃત લોકો દ્વારા ભારત જન વિજ્ઞાન જાથાને જાણ કરવામાં આવી હતી. જાથાની ટીમ ગામે પહોંચી તપાસ કરતા સમગ્ર મામલો બોગસ અને અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ હોવાનું સામે આવ્યું. સમાધિ લેવાના કોઈ વૈજ્ઞાનિક કે તબીબી આધાર વગર માત્ર લોકવિશ્વાસનો લાભ લઈને લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો હતો.
જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાના માર્ગદર્શન હેઠળ ટીમે સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરવા માટે રાજ્યના ઉચ્ચ અધિકારીઓને પત્રવ્યવહાર કર્યો હતો. મુખ્યમંત્રી, અધિક મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, આઈજીપી રેન્જ ભાવનગર અને એસપી અમરેલી સહિતના અધિકારીઓને માહિતી આપી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી.
સરકારી તંત્રે ઝડપથી પગલાં લઈ અરજણભાઈ ખુમાણ અને તેમના પરિવારજનોને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલાવ્યા હતા. ત્યાં સમાધિ નહીં લેવાની લેખિત બાંહેધરી લેવામાં આવી અને મોડી રાત્રે તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતા સમજતા પરિવારે પણ સમાધિ મુલત્વી રાખવાની જાહેરાત કરી દીધી હતી.
સમાધિ માટે ખાડો ખોદવાની તૈયારી પણ અટકાવવામાં આવી હતી. ગામમાં વિજ્ઞાન જાથાની હાજરીથી લોકોમાં જાગૃતિ આવી અને અંધશ્રદ્ધા સામે સવાલો ઉઠવા લાગ્યા. આ સમગ્ર બનાવથી ગામ અને પરિવારની પ્રતિષ્ઠા પર અસર પડતા, અંતે પરિવારે પોતાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો.
આ ઘટનામાં જાથાની ટીમ, સ્થાનિક આગેવાનો અને પોલીસ તંત્રની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. રાજકોટથી આવેલી ટીમમાં રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર, ભાનુબેન શેઠિયા, તેમજ સ્થાનિક સભ્યો જોડાયા હતા. ગામના સરપંચ બાબુભાઈ વાળા સહિત મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા.
આ બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે અંધશ્રદ્ધા અને ખોટા દાવાઓ સામે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને તંત્રની સતર્કતા જરૂરી છે. જાથાએ લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત જાણ કરવી, જેથી સમાજને ભ્રમથી બચાવી શકાય.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai