
મહેસાણા,03 એપ્રિલ (હિ.સ.) મહેસાણા માં પાલિકાથી મહાપાલિકા બન્યા બાદ પહેલી વખત યોજાનારી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઐતિહાસિક ચૂંટણીમાં દરેક બેઠક માટે 8 થી 9 જેટલા દાવેદારો મેદાનમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે પક્ષોમાં ટિકિટ માટે ભારે સ્પર્ધા સર્જાઈ છે.
ખાસ કરીને ભાજપમાં ઉમેદવારી માટે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો આગળ આવી રહ્યા છે. સ્થાનિક સ્તરે દાવેદારો દ્વારા સક્રિય લોબીંગ શરૂ થઈ ગઈ છે અને પોતાના સમર્થકો સાથે ટિકિટ મેળવવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
આ પરિસ્થિતિમાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. પક્ષ દ્વારા સંભાવિત ઉમેદવારોની યાદી તૈયાર કરી તેમની કામગીરી, લોકપ્રિયતા અને જીતની સંભાવનાઓના આધારે પસંદગી કરવામાં આવશે. પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
મહાપાલિકા તરીકેની આ પ્રથમ ચૂંટણી શહેરના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પરિણામો શહેરના વિકાસની દિશા નક્કી કરશે, જેના કારણે મતદારો અને રાજકીય પક્ષો બંને માટે આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR