
સુરત, 03 એપ્રિલ (હિ.સ.): શહેરના અમરોલી વિસ્તારમાં રીંગરોડ પર વેદાંત સર્કલથી વરિયાવ તરફ જતા મેઇન રોડ ઉપર રાજ્ય સરકારની કંપની અર્બન રીંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન ના વિસ્તારમાંથી ત્રણ ઈસમો રૂપિયા 15,000 ની કિંમતના કોપર વાયરની ચોરી કરી ભાગતા હતા ત્યારે જ સિક્યુરિટીએ ઝડપી પાડી તેમની સામે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ત્રણેયની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના અમરોલી વિસ્તારમાં આવેલ આઉટર રીંગરોડ પર વેદાંત સર્કલથી વરિયાવ તરફ જવાના મેઇન રોડ ઉપર રાજ્ય સરકારની અર્બન રીંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપનીનું કામકાજ ચાલી રહ્યું છે. મોટા વરાછા લજામણી ચોક પાસે આવેલ સાગર રો હાઉસમાં રહેતા અને સુરત મહાનગરપાલિકામાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા જસ્મીન વિનોદભાઈ ખોખર એ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 2/4/2026 ના રોજ રાત્રે 12 વાગ્યાના અરસામાં અર્જુન બટુકભાઇ દેવીપુજક (રહે-બિ.નં-345 કોસાડ આવાસ, અમરોલી, સુરત), અર્જુન ધનજીભાઇ દેવીપુજક (રહે- બિ.નં-345 કોસાડ આવાસ, અમરોલી, સુરત) અને ગૌતમ ગોપાલ દેવીપુજક (રહે-બંબાગેટ પાસે, અમરોલી, સુરત) અમરોલીમાં અર્બન રીંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન કંપનીની જગ્યામાંથી સ્ટ્રીટ લાઇટ કોપર વાયર 200 મીટરની ચોરી કરી ભાગતા થતા હતા. આ સમયે જ સિક્યુરિટીએ તેમને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા છે. જેથી પોલીસે ત્રણેય ઈસમો સામે રૂપિયા 15,000 ની ચોરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે