
- માર્કેટયાર્ડમાં પાક ઢાંકવા ખેડૂતોની ભાગદોડ
- સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી
- અમદાવાદ પશ્ચિમમાં પણ વાતાવરણમાં પલટો
અમદાવાદ, 03 એપ્રિલ (હિ.સ.) : ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભર ઉનાળે ત્રીજી વખત કમોસમી વરસાદ શરૂ થયો છે. ગુજરાતમાં સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે ધબધબાટી બોલાવી છે.માર્કેટયાર્ડમાં પાક ઢાંકવા ખેડૂતોની ભાગદોડ અને સાથે સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી. અમદાવાદ પશ્ચિમમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
આજે સોમનાથ, દ્વારકા, પાટણ, બનાસકાંઠા, ભાવનગર, મહેસાણા સહિતમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે રોડ પર પાણી વહેતાં થયા હતાં. સૌથી વધુ વેરાવળમાં 15થી 20 મિનિટમાં એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. તોફાની પવન સાથે ધોધમાર પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. હાલના વરસાદને પગલે કેરી, બાજરી, જીરૂ સહિતના પાકને ભારે નુકસાન થવાના ડરથી ખેડૂતો મુઝવણમાં મુકાયા છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. બે સિસ્ટમના કારણે ગુજરાત વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલ્લભ વિદ્યાનગરમાં 37.6 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અમદાવાદમાં આજે 36 ડિગ્રી તાપમાન રહેશે.
એક તરફ અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ ખેડૂતો માટે આ 'માવઠું' આફત બનીને આવ્યું છે. તૈયાર થયેલા ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાસ કરીને આંબાના બગીચાઓ (કેરીનો પાક) અને ખેતરમાં પડેલા અન્ય પાકને ભારે પવન અને કરાને કારણે મોટું નુકસાન થઈ શકે છે.
સાબરકાંઠાના ખેડબ્રહ્મા શહેરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા. ધીમા પવન સાથે પડેલા આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. વધુ વરસાદ પડે તો પાકેલું અનાજ બગડી જવાની શક્યતા છે. હાલ ખેડબ્રહ્મા શહેરમાં માત્ર રોડ ભીના થાય તેટલા જ વરસાદી છાંટા જોવા મળ્યા હતા, પરંતુ ખેડૂતોને પાક બગડવાનો ડર સતાવી રહ્યો છે.
ખેડા જિલ્લામાં માતરના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભલાડા, સાયલા, શેખુપુર સહિતના ગામડાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. નડિયાદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં સાંજે 5:00 વાગ્યા પછી આકાશોમાં વાદળો ઘેરાયા હતાં.
ધોલેરા પંથકના ભારે પવન સાથે ધૂળની આંધી ફૂંકાઈ છે. બપોર બાદથી આકાશમાં ઘેરા વાદળો છવાયા હતાં. ભારે પવન સાથે કમોસમી વરસાદી ઝાપટાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ધોલેરા શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
ઊંઝા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં છૂટા છવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ઊંઝા ગંજબજાર ખાતે વેપારીઓ દ્વારા પોતાના કૃષિમાલને વરસાદથી બચવા માટે તાડપત્રી વડે ઢાંકી દેવામાં આવ્યો હતો.
મહેસાણા જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. બપોર પછી આકાશ વાદળછાયું બન્યા બાદ વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા.
બહુચરાજી, મોઢેરા, ઉનાવા અને ઊંઝા પંથકમાં વરસાદ વરસતા કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. જોકે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા છે.
બીજી તરફ દ્વારકાના સલાયા અને આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે 8:30 વાગ્યા બાદ ભારે પવન સાથે કમોસમી વરસાદ શરૂ થયો હતો, આ સાથે જ પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ