
અમરેલી, 05 એપ્રિલ (હિ.સ.) : અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં આવેલ તાત્કાલિક હનુમાન મંદિર વિસ્તારમાં ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે નિ:શુલ્ક પાણી પીવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં સ્થાનિક સેવાભાવી લોકો અને સંસ્થાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દરેકને પોતાના ઘરની છત અથવા આસપાસના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા અપીલ કરવામાં આવી હતી. ઉનાળામાં પાણીના અભાવે પક્ષીઓ તરસથી તડપે નહીં તે હેતુથી આ પહેલ હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે, માનવતા સાથે જીવદયા પણ એટલી જ જરૂરી છે અને નાના પ્રયાસોથી પણ જીવ બચાવી શકાય છે. લોકોમાં પક્ષીઓ પ્રત્યે સંવેદના વધે અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.
સ્થાનિક નાગરિકોએ આ પહેલને વધાવી લીધી હતી અને આવનારા સમયમાં પણ આવા સેવાકીય કાર્યક્રમો યોજવાની માંગ વ્યક્ત કરી હતી. આ કાર્ય દ્વારા સમાજમાં સેવા, સંવેદના અને સહઅસ્તિત્વનો સકારાત્મક સંદેશ ફેલાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai