
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ભચાઉ વિસ્તારમાં નોંધાયેલા મોટર સાયકલ ચોરીના ગુનામાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલ બાઈક સાથે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
માહિતી મુજબ, ભચાઉ પોલીસના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન મળેલી બાતમી મુજબ નારણપર, રામવાવ અને ધાડધ્રો વિસ્તારના ત્રણ શખ્સો પાસે ચોરીથી મેળવેલ મોટર સાયકલ હોવાની માહિતી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મહેશ ખેતાભાઈ કોલી (ઉંમર ૨૦, રહે. નારણપર, તા. ભચાઉ), રાજેશ ગોવિંદભાઈ વરચંદ (ઉંમર ૨૫, રહે. રામવાવ, તા. રાપર) અને પ્રવિણ રાધુભાઈ કોલી (ઉંમર ૨૬, રહે. ધાડધ્રો, તા. રાપર)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ હિરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ (રજી. નં. GJ-12-BL-4011) ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
આ ચોરી ભચાઉ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર ૧૧૯૯૩૦૦૪૨૬૦૨૯૦/૨૦૨૬ હેઠળ નોંધાયેલ હતી, જેમાં બી.એન.એસ. કલમ ૩૦૩(૨) અને ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલ મોટર સાયકલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીથી ભચાઉ વિસ્તારમાં પોલીસની સતર્કતા અને ઝડપી પ્રતિસાદની પ્રશંસા થઈ રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar