




કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : વર્તમાન વૈશ્વિક યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના દરિયાકાંઠે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. રાજ્યના મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મરીન ટાસ્ક ફોર્સના એડિશનલ ડીજીપી અમિત વિશ્વકર્મા, આઈજીપી એ. એમ. મુનિયા અને એસ.પી. એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ સમગ્ર કચ્છના દરિયાકાંઠે વિશેષ ડ્રાઈવ યોજવાનો નિર્ણય લેવાયો હતો. આ અભિયાન અંતર્ગત સુરક્ષા દળોને વધુ સતર્ક રહેવા તેમજ દરેક શંકાસ્પદ પ્રવૃત્તિ પર નજર રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
જખૌ સેક્ટરમાં ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વ હેઠળ મરીન કમાન્ડોની ટીમે કોસા, લીમલીવાંઢ અને મોહાડી સુધીના દરિયાઈ તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કર્યું હતું. વિવિધ સ્થળોએ ચેકિંગ દરમિયાન બોટો અને માછીમારોની વિગતો ચકાસવામાં આવી અને શંકાસ્પદ હલચલ અંગે સતર્ક રહેવા સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, માછીમારો સાથે ખાસ બેઠક યોજી તેમને ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓ અથવા બોટોની હેરફેર અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી. સાથે જ વર્તમાન પરિસ્થિતિમાં દરિયામાં કોઈ જહાજ, બોટ અથવા મિસાઇલના અવશેષ તૂટીને કિનારે આવી શકે તેવી શક્યતા અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.
મરીન કમાન્ડોની આ કામગીરીથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનવાની સાથે કોઈપણ અનિચ્છનીય ઘટનાને અટકાવવા માટે સક્રિય તૈયારી દર્શાવવામાં આવી છે. રાજ્યના દરિયાકાંઠે રહેતા લોકો અને માછીમારોને પણ સાવચેત રહેવા અને સુરક્ષા એજન્સીઓ સાથે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar