


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, મુક્ત અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા સ્તરે અધિકારીઓને સઘન તાલીમ આપવામાં આવી રહી છે.
ભુજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી આનંદ પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા રિટર્નિંગ ઓફિસર (RO), આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) અને નોડલ અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે ચૂંટણી દરમિયાન તમામ વિભાગો વચ્ચે સુચારુ સંકલન અને સમયબદ્ધ કામગીરી અત્યંત જરૂરી છે. તેમણે આદર્શ આચારસંહિતાનો કડક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ થઈ શકે.
બેઠક દરમિયાન ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી. તેમાં ઉમેદવારી પત્રોની રજૂઆત અને ચકાસણી, પ્રતીક ફાળવણી, નામાંકન પ્રક્રિયા, તેમજ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના સંચાલન અંગે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન વ્યવસ્થા, સામગ્રી વિતરણ અને ખર્ચની મોનિટરિંગ અંગે પણ અધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા.
ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. નિષ્ણાતો દ્વારા ટેક્નિકલ પાસાઓ સાથે EVMના કાર્યકારી ઉપયોગ અને સુરક્ષા બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે SVEEP કાર્યક્રમ હેઠળ વિવિધ અભિયાન ચલાવવા, મીડિયા સાથે સંકલન વધારવા અને હેલ્પલાઇન તથા ફરિયાદ નિવારણ વ્યવસ્થા મજબૂત બનાવવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત, પોલિંગ સ્ટાફની તાલીમ, દિવ્યાંગ મતદાતાઓ માટે સુવિધાઓ અને જરૂરી કિટની વ્યવસ્થા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
વરિષ્ઠ અધિકારીઓએ RO અને AROની ભૂમિકાને ચૂંટણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ગણાવી, તેમની શંકાઓનું નિવારણ કર્યું અને જવાબદારીપૂર્ણ કામગીરી માટે પ્રેરણા આપી.
આ બેઠકમાં હાજર તમામ અધિકારીઓએ સૂચનાઓને અનુસરતા ચૂંટણીને સફળ બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં હવે ચૂંટણીલક્ષી તૈયારીઓને અંતિમ સપાટીએ લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar