ગાંધીધામમાં જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસનો દરોડો: 7 શખ્સો ઝડપાયા
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર પર ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સાત વ્યક્તિઓને ઝડપીને જુગારના સાધનો અને રોકડ રકમ કબ્જે ક
Jugar


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર પર ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે સાત વ્યક્તિઓને ઝડપીને જુગારના સાધનો અને રોકડ રકમ કબ્જે કરી છે.

માહિતી મુજબ, ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ નિયમિત પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન મળેલી ખાનગી બાતમી મુજબ રઘુવીરસિંગ એન્ડ સન્સ ગોડાઉન સામે ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો ગંજીપાના પત્તા વડે ‘તીન પત્તી’નો હાર-જીતનો જુગાર રમી રહ્યા હોવાની માહિતી મળી હતી. બાતમીને આધારે પોલીસ ટીમે સ્થળ પર તાત્કાલિક દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન સ્થળ પરથી સાત શખ્સોને જુગાર રમતા રંગેહાથ ઝડપવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં યશપાલ રામદિન બર્મન (અંજાર), જયકુમાર રામદિન કેવટ (મધ્યપ્રદેશ), ભોલુ રામરતન કેવટ, કલામુદ્દીન અંસારી (અંજાર), રમેશ માવાભાઈ સોલંકી, કૃષ્ણા હરિકિશોર કેવટ અને રાજુ બ્રહ્મદેવ મુખીયાનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 10,200ની રોકડ રકમ અને જુગાર માટે વપરાતા ગંજીપાના પત્તા કબ્જે કર્યા છે. તમામ આરોપીઓ સામે જાહેરમાં જુગાર રમવાના ગુનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande