ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસની ઝડપી કામગીરી: મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી આરોપી ઝડપી પાડ્યો
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે. ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી ચોરીના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત
Theft


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ગાંધીધામમાં થયેલી મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી પાડ્યો છે. ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કામગીરીથી ચોરીના બનાવનો ભેદ ઉકેલાઈ ગયો છે અને પોલીસની કાર્યક્ષમતા ફરી એકવાર સાબિત થઈ છે.

માહિતી મુજબ, સરહદી રેન્જ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા વણશોધાયેલા ચોરીના ગુનાઓ ઉકેલવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી (અંજાર વિભાગ)ના માર્ગદર્શન સાથે પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના નેતૃત્વમાં ટીમે અસરકારક તપાસ હાથ ધરી હતી.

આ મામલો ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર નં. ૧૧૯૯૩૦૦૭૨૬૦૪૦૬/૨૦૨૬ હેઠળનો છે, જેમાં ફરિયાદી દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં તેમના ઘરના આગળ રાખેલો મોબાઈલ ફોન અજાણ્યા શખ્સે ચોરી કરી જતા ઈ-એફ.આઈ.આર. નોંધાવવામાં આવી હતી.

પોલીસે હ્યુમન સોર્સની મદદથી મળેલી ચોક્કસ બાતમીના આધારે તપાસ આગળ ધપાવી અને આરોપી અરજણ દેવાભાઈ ભરવાડ (ઉંમર ૨૨, રહે. લખાગઢ, તા. રાપર)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરી થયેલો વીવો કંપનીનો વાય-400 મોડલનો મોબાઈલ ફોન (કિંમત રૂ. ૨૨,૦૦૦) પણ કબ્જે કરવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેના વિરુદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરી તથા ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande