


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : ભુજ શહેરમાં અચલગચ્છ જૈન સંઘ દ્વારા ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉલ્લાસ વચ્ચે વર્ષીતપ પારણોત્સવની પત્રિકાનું ભવ્ય લેખન કાર્યક્રમ યોજાયો હતો. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કવિન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબની શુભ પ્રેરણા અને આશીર્વાદથી આ વિશેષ આયોજનને અનોખી ધાર્મિક મહત્તા પ્રાપ્ત થઈ હતી.
આ વર્ષે સંઘમાં કુલ 58 શ્રદ્ધાળુઓ વર્ષીતપ આરાધનામાં જોડાયા હતા, જે પોતે જ એક ગૌરવપૂર્ણ સિદ્ધિ ગણાય છે. આ તપસ્વીઓની આરાધનાને ઉજવવા માટે સામુહિક પારણોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પત્રિકા લેખન વિધિ મુખ્ય આકર્ષણ બની રહી.
કાર્યક્રમ પરમ પૂજ્ય સાધ્વી શ્રી સૌમ્યલતાશ્રીજી મહારાજ સાહેબ, પૂજ્ય સાધ્વી શ્રી કુમુદકિરણાશ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય સાધ્વી શ્રી વિશિષ્ઠપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં યોજાયો હતો. શરૂઆતમાં પૂજ્યશ્રીઓએ માંગલિક પાઠ દ્વારા કાર્યક્રમને પવિત્ર બનાવ્યો અને વર્ષીતપ કરનાર તપસ્વીઓની આરાધનાની અનુમોદના કરી સંઘના આયોજનની પ્રશંસા વ્યક્ત કરી.
આ પ્રસંગે લાભાર્થી તરીકે માનવંતીબેન ચમનલાલ માવજી ઘીવાલા પરિવાર જોડાયો હતો. કાર્યક્રમ દરમિયાન વર્ષીતપના પારણોત્સવની પત્રિકાનું લેખન ગીત-સંગીતના મીઠા સુરોથી સજ્જ વાતાવરણમાં કરવામાં આવ્યું, જે ઉપસ્થિત સૌ માટે આનંદદાયક અને યાદગાર બની રહ્યું.
તપસ્વીઓના પરિવારજનો, સગા-સંબંધી, સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં સમાજવાસીઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ટ્રસ્ટીગણમાં મહેન્દ્રભાઈ ડી. શાહ, ભરતભાઈ બી. શાહ, ચંદ્રકાંતભાઈ કે. વોરા, દીપકભાઈ એન. શાહ, ભરતભાઈ સી. શાહ, રાજેશ સી. શાહ, હર્ષદભાઈ બી. શાહ, તેજભાઈ એચ. શાહ અને પુનિતભાઈ પી. શાહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં સંગીતની રમઝટ સુરતના અભિષેક મહેતાએ જમાવી હતી, જ્યારે સંચાલનની જવાબદારી નિરવભાઈ શાહ (સંકિત યુવક મંડળ, બોરીવલી)એ સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના સાથે સાંસ્કૃતિક માહોલનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
આ આયોજન ભુજના જૈન સમાજ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યું હતું, જ્યાં તપ, ભક્તિ અને સંસ્કૃતિનો સુંદર સંગમ સર્જાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar