
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) :પશ્ચિમ કચ્છમાં નાર્કોટિક્સ વિરુદ્ધ પોલીસે વધુ એક અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજની ટીમે માંડવી તાલુકાના માંડવી-નલીયા હાઈવે પર કાઠડા ત્રણ રસ્તા પાસે દરોડા દરમિયાન એક આરોપીને ગાંજા સાથે ઝડપી પાડ્યો છે. આ કામગીરીમાં કુલ રૂ. 4,09,390 જેટલો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી.નો સ્ટાફ માંડવી વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગમાં હતો. તે દરમ્યાન ખાનગી બાતમીના આધારે પોલીસે ચોક્કસ વર્કઆઉટ કરીને કાઠડા ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ વ્યક્તિને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સાગર શાંતિલાલ મોતીવરસ (ખારવા), ઉંમર 30 વર્ષ, હાલ રહે. ખારવા ચોક, મુંદરા (મૂળ રહે. જયનગર, માંડવી) પાસેથી માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો.
પોલીસે આરોપીના કબજામાંથી કુલ 1 કિલો 321 ગ્રામ ગાંજો, જેની કિંમત રૂ. 66,050 થાય છે, તે જપ્ત કર્યો હતો. ઉપરાંત, ત્રણ મોબાઇલ ફોન (રૂ. 43,000), રોકડા રૂપિયા 240, ટાટા કંપનીની ઝેસ્ટા કાર (રૂ. 3,00,000) અને એક ડિજિટલ વજન કાંટો (રૂ. 100) સહિતનો કુલ રૂ. 4,09,390નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આરોપી સામે માંડવી પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar