મુંદ્રા સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં મોટો વધારો: 10 વર્ષ બાદ ‘પોઝિટિવ’ ડાયાલિસિસ મશીનથી દર્દીઓને રાહત
કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : મુંદ્રા શહેરમાં વધતી વસ્તી અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે લાંબા સમયથી આરોગ્ય સુવિધાઓ અંગે ઉઠતી ફરિયાદો વચ્ચે હવે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. મુંદ્રાની સમુહ આરોગ્ય કેન્દ્ર (CHC) હોસ્પિટલમાં દસ વર્ષ પછી ફરી સર્જન સેવા શરૂ થ
Mundra


કચ્છ, 05 એપ્રિલ (હિ.સ.) : મુંદ્રા શહેરમાં વધતી વસ્તી અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે લાંબા સમયથી આરોગ્ય સુવિધાઓ અંગે ઉઠતી ફરિયાદો વચ્ચે હવે સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. મુંદ્રાની સમુહ આરોગ્ય કેન્દ્ર (CHC) હોસ્પિટલમાં દસ વર્ષ પછી ફરી સર્જન સેવા શરૂ થઈ છે અને સાથે જ આધુનિક ‘પોઝિટિવ’ ડાયાલિસિસ મશીન ઉપલબ્ધ થતાં દર્દીઓ માટે મોટી રાહત સર્જાઈ છે.

તાજેતરમાં હોસ્પિટલમાં નિમણૂક પામેલા સર્જન ડો. જિજ્ઞેશ ફફલ દ્વારા આંતરિક ગાંઠનું જટિલ ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું, જે છેલ્લા એક દાયકામાં આ હોસ્પિટલમાં થયેલી મહત્વપૂર્ણ સર્જરી ગણાય છે. આ સાથે ગાયનેકોલોજિસ્ટ તરીકે ડો. તીર્થ પટેલની નિમણૂક થતા ડિલિવરી અને સ્ત્રીરોગ સંબંધિત સારવારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હાલ હોસ્પિટલમાં દર મહિને અંદાજે 60થી 70 ડિલિવરી થઈ રહી છે, જે સ્થાનિક સ્તરે આરોગ્ય સેવાઓ મજબૂત થવાનો સંકેત આપે છે.

હોસ્પિટલમાં ડાયાલિસિસ સુવિધા પણ વધુ મજબૂત બની છે. અગાઉ બે મશીનોની સામે હવે કુલ ચાર મશીનો કાર્યરત છે, જેમાં નવી ઉમેરાયેલી ‘પોઝિટિવ’ ડાયાલિસિસ મશીન ખાસ કરીને ચેપજન્ય રોગો જેમ કે HIV અથવા કમળા ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી છે. આ સુવિધાથી સામાન્ય અને ચેપી દર્દીઓ માટે અલગ વ્યવસ્થા શક્ય બની છે. કચ્છ જિલ્લામાં ગાંધીધામ બાદ આ પ્રકારનું મશીન હવે મુંદ્રામાં ઉપલબ્ધ બન્યું છે.

જોકે, કેટલીક મૂળભૂત જરૂરિયાતો હજુ અધૂરી છે. દર્દીઓએ સોનોગ્રાફી મશીનના અભાવને કારણે ખાનગી સેન્ટરો પર નિર્ભર રહેવું પડે છે, જેના કારણે ખર્ચ અને સમય બંને વધે છે. ઉપરાંત, હોસ્પિટલમાં હાલ માત્ર 30 બેડની ક્ષમતા છે, જે વધતી દર્દી સંખ્યાને પહોંચી વળવા અપૂરતી સાબિત થઈ રહી છે. ICU જેવી અગત્યની સુવિધાનો અભાવ હોવાથી ગંભીર દર્દીઓને ભુજ અથવા ખાનગી હોસ્પિટલમાં રિફર કરવાની સ્થિતિ ઉભી થાય છે.

હોસ્પિટલમાં એક સકારાત્મક પહેલ રૂપે દર્દીઓ અને તેમના સંભાળકો માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. શુભમ શિપિંગના સુરેશભાઈ ઠક્કર પરિવારના સહયોગથી દરરોજ ભોજન સેવા આપવામાં આવે છે, જે બહારગામથી આવતા દર્દીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે.

હોસ્પિટલ અધિક્ષક ડો. મંથન ફફલના જણાવ્યા અનુસાર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો મળે તો બેડની સંખ્યા 100 સુધી વધારી શકાય અને સ્ટાફની સંખ્યા પણ વધારવામાં આવશે. સોનોગ્રાફી સહિતની અન્ય જરૂરી સુવિધાઓ માટે પણ દરખાસ્ત કરવામાં આવી છે અને લોકપ્રતિનિધિઓ દ્વારા પ્રયત્નો ચાલુ છે.

આમ, મુંદ્રાની સરકારી હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે, પરંતુ વધતી જરૂરિયાતોને પહોંચી વળવા હજુ વધુ સુવિધાઓ અને સગવડો વધારવાની જરૂરિયાત સ્પષ્ટ રીતે સામે આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit R. Padhiyar


 rajesh pande